નવી દિલ્હી: દેવાસ કેસના સંદર્ભમાં એર ઇન્ડિયાની કેનેડા સ્થિત સંપત્તિ જપ્ત કરવામાં આવી તેનું ઠીકરુ વર્તમાન સરકારે અગાઉની યુપીએ સરકાર પર ફોડયું છે.આ કેસ અંગે નાણાપ્રધાન નિર્મલા સીતારામને પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આ ભારત સાથે છેતરપિંડી હતી.સરકાર સંપત્તિને જપ્ત કરવાના આદેશનો પ્રતિકાર કરવા આ ડીલ અંગે 2005માં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનો ઉપયોગ કરશે.
તેમણે કોંગ્રેસ પર સંરક્ષણ ક્ષેત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા એર વેવ્સ નજીવી કિંમતે ખાનગી કંપનીને આપી દઈ રાષ્ટ્રીય સુરક્ષાને ભયમાં મૂકવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે આ કેસ વાસ્તવમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો ફ્રોડ છે.આ કેસમાં તે 17મી જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે દેવાસ મલ્ટીમીડિયાને વાઇન્ડિંગ અપનો આદેશ આપ્યો તે આખો પેરેગ્રાફ વાંચી ગયા હતા.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના કોમર્સિયલ એકમ અંતરિક્ષ દ્વારા દેવાસ સાથે મોબાઇલ યુઝર્સને મલ્ટીમીડિયા સર્વિસ પૂરી પાડવા કરાર કરાયા હતા.તેના પગલે કેન્દ્રીય કેબિનેટની જાણ વગર દેવાસને એસ-બેન્ડ આપી દેવાયા હતા.આમ કોંગ્રેસે અહીં રાષ્ટ્રીય હિતની ય જરા પણ પરવા કરી ન હતી.કોંગ્રેસને આ ડીલને રદ કરવામાં છ વર્ષ લાગ્યા હતા.તેમની સરકારે જે કંપનીને સુપ્રીમ કોર્ટે વાઇન્ડ અપ કરવાનો આદેશ આપ્યો હતો તેની સામે લવાદની કાર્યવાહી પણ શરૂ કરી ન હતી.આ બતાવે છે કે કોંગ્રેસ દરેક પ્રકારના ભ્રષ્ટાચારની ગંગોત્રી છે.દેવાસે કંપનીને વાઇન્ડ અપ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા અને તેનો કરાર રદ કરવા અંગે એમ બંને કેસ દાખલ કર્યા હતા.તેણે ઇન્ટરનેશનલ ચેમ્બર્સ ઓફ કોમર્સ (આઇસીસી) ખાતે કંપનીને વાઇન્ડ અપ કરવા સામેના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે લવાદની કાર્યવાહી શરૃ કરી હતી.આ ઉપરાંત બે જુદી-જુદી લવાદ અરજી દાખલ કરવામાં આવી હતી.તેમાથી એક અરજી બાઇલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી (બીટ) હેઠળ દેવાસ મલ્ટીમીડિયાના મોરિશિયસ સ્થિત રોકાણકારો દ્વારા ઇન્ડિયા-મોરિશિયસ બીઆઇટી હેઠળ દાખલ કરવામાં આવી હતી.જ્યારે બીજી અરજી જર્મન કંપની ડોએચ્ચ ટેલિકોમે ઇન્ડિયા-જર્મની બીઆઇટી હેઠળ દાખલ કરી હતી.ભારત આ ત્રણેય વિવાદ હારી ચૂક્યુ છે અને તેના પેટે તેણે કુલ 1.2 અબજ ડોલરની ચૂકવણી કરવાની આવી છે.
તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ જ આ કંપનીને ફ્રોડ જણાવી તેના વાઇન્ડ અપ માટે આદેશ આપી ચૂકી છે અને અંતરિક્ષે પણ દેવાસના લિક્વિડેશન માટે એનસીએલટીનો સંપર્ક સાધ્યો છે ત્યારે તેની તરફેણમાં આ પ્રકારનો આદેશ કેવી રીતે મળે.ભારત સરકાર ચોક્કસપણે તેને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકારશે.
આ કેસ વાસ્તવમાં ઇસરોના અંતરિક્ષ કોર્પ અને દેવાસ મલ્ટીમીડિયા વચ્ચે થયેલા સોદો સાથે જોડાયેલો છે.આ સોદાને 2011માં રદ કરવામાં આવ્યો હતો.આ ડીલ રદ થતાં દેવાસે ભારત સરકાર પાસે નુકસાનને ભરપાઈ કરવાની માંગ કરી હતી. આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ગયો હતો.તેમા દેવાસની જીત થઈ હતી.
ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની કોર્ટે ભારત સરકારને જણાવ્યું હતું કે તે દેવાસને 1.3 અબજ ડોલરની ચૂકવણી કરે.આ રકમની રિકવરી માટે દેવાસના વિદેશી શેરધારકોએ કેનેડા અને અમેરિકા સહિત ઘણા દેશોમાં ભારત સરકાર સામે કેસ કર્યા છે.
કેનેડાના ક્યુબેક પ્રાંતની કોર્ટે આ કેસમાં 24 નવેમ્બર અને 21 ડિસેમ્બરે બે આદેશ આપ્યા હતા.તેમા આઇએટીએ પાસે રાખવામાં આવેલી એર ઇન્ડિયાની સંપત્તિ જપ્ત કરવા આદેશ આપ્યો હતો.તેના પગલે એર ઇન્ડિયાની ત્રણ કરોડ ડોલર એટલે કે 223.5 કરોડથી વધારે સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.