– ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવતીકાલથી ભારેથી અતિ ભારે વરસાદ આગાહી
– દેશની રાજધાની નવી દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા
દેશભરના તમામ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને પહાડી વિસ્તારથી લઈને મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે તારાજીની તસ્વીરો સામે આવી રહી છે ત્યારે હવામાન વિભાગે દેશમાં હવામાનની સ્થિતિ થોડા દિવસો સુધી આવી જ રહેવાની છે.પહાડોથી મેદાનો સુધી વરસાદ ચાલુ રહેશે.હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતના ભાગોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે.
ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં વરસાદ
ઉત્તરાખંડના દેહરાદૂન સહિત અનેક જિલ્લાઓમાં આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગે આજે કુમાઉ ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી જાહેર કરી છે.આ વર્ષે ચોમાસાની સૌથી વધુ અસર દેહરાદૂન, ગઢવાલ અને કુમાઉના નીચાણવાળા વિસ્તારોમાં પડી રહી છે.આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન કોંકણ,ગોવા,મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.આ સિવાય આગામી બે દિવસ દરમિયાન ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવતીકાલથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
નવી દિલ્હીમાં વરસાદ
દેશની રાજધાની નવી દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે.આ સ્થિતિમાં હવામાન વિભાગે નવી દિલ્હીમાં પણ વરસાદની આગાહી કરી છે.આજે નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહે તેવી શક્યતા છે.આ સિવાય મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે તેમજ મધ્યમ વરસાદ વરસી શકે છે.
ઉત્તર પ્રદેશની હવામાન સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી અને મહત્તમ 35 ડિગ્રી નોંધાઈ શકે છે.બીજી તરફ લખનઉમાં આજે ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિઓ જોવા મળશે.ગાઝિયાબાદની વાત કરીએ તો આજે અહીં પણ વરસાદ પડવાની સંભાવના છે.આ ઉપરાંત આજે અહીં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહે તેવી શક્યતા છે.
અન્ય રાજ્યોની સ્થિતિ
ખાનગી એજન્સી સ્કાયમેટ મુજબ આજે પૂર્વ રાજસ્થાન,મધ્યપ્રદેશ,વિદર્ભ અને છત્તીસગઢમાં હળવો વરસાદ થઈ શકે છે,આ સિવાય હિમાચલ પ્રદેશ,આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે તેમજ હરિયાણા,ઉત્તર પંજાબ,દક્ષિણ ગુજરાત,બિહાર,પશ્ચિમ બંગાળ,ઝારખંડ,ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ,દક્ષિણ તેલંગાણા,મરાઠવાડા,મધ્ય મહારાષ્ટ્ર અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.