– લોકડાઉનને પગલે ઉત્પાદન, માઈનિંગ તેમજ વીજ ઉત્પાદન નોંધપાત્ર ઘટ્યું
નવી દિલ્હી : દેશના ઔદ્યોગિક ઉત્પાનમાં માર્ચમાં 16.7 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે.માઈનિંગ,મેન્યુફેક્ચરિંગ અને વીજ ક્ષેત્રના નબળા દેખાવને લીધે માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં મુખ્યત્વે ઘટાડો નોંધાયો હતો.દેશવ્યાપી લોકડાઉનને પગલે મોટાભાગના એકમોમાં કામકાજ ઠપ રહેવાથી આ ઘટાડો જોવા મળ્યો હતો.
22 માર્ચ 2020થી દેશમાં લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.હાલમાં લોકડાઉનના ત્રીજા તબક્કાનો અમલ ચાલુ છે જે 17 મેના સમાપ્ત થશે. ઓદ્યોગિક ઉત્પાદનનો આંક ગત વર્ષે માર્ચમાં 2.7 ટકા વધ્યો હતો.નેશનલ સ્ટેસ્ટિકલ ઓફિસના ડેટા મુજબ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉત્પાદન 20.6 ટકા ઘટ્યું હતું જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 3.1 ટકા વધ્યું હતું.દરમિયાન સમીક્ષક ગાળામાં વીજ ઉત્પાદન 6.8ટકા ઘટ્યું હતું જ્યારે અગાઉ 2.2 ટકાની વૃદ્ધિ હતી. માઈનિંગ ઉત્પાદન ફ્લેટ રહેતા અગાઉના 0.8 ટકાની લગોલગ રહ્યું હતું.ગત નાણાકીય વર્ષમાં આઈઆઈપી 0.7 ટકા નરમ હતો જ્યારે તેના અગાઉના નાણા વર્ષ 2018-19માં તે 3.8 ટકા વધ્યો હતો.


