નવી દિલ્હી : ઝારખંડે જીએસટીની આવકમાં થયેલા ઘટાડાના વળતર પેટે કેન્દ્ર સરકારના બોરોઇંગ ઓપ્શન(ઉધાર વિકલ્પ)ને સ્વીકારી લીધો છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ઝારખંડને સ્પેશિયલ વિન્ડો મારફતે 1689 કરોડ રૂપિયા મળશે.
આ સાથે જ વિધાનસભા ધરાવતા ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો અને 28 રાજ્યોએ જીએસટી ક્લેક્શનમાં થયેલા ઘટાડાની ભરપાઇ કરવા માટે કેન્દ્રના બોરોઇંગ ઓપ્શન(ઉધાર વિકલ્પ)ને સ્વીકારી લીધો છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિધાનસભા ધરાવતા ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો અને 28 રાજ્યોએ જીએસટી ક્લેક્શનમાં થયેલા ઘટાડાની ભરપાઇ કરવા માટે કેન્દ્રના વિકલ્પ નં. 1ની પસંદગી કરી છે.આ વિકલ્પ સ્વીકારવામાં છેલ્લે ઝારખંડ બાકી હતું.આજે તેણે પણ આ વિકલ્પ સ્વીકારી લેવાની જાણ કેન્દ્ર સરકારને કરી હતી.વિધાનસભા ધરાવતા ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી, પુડુચેરી અને જમ્મુ-કાશ્મીરે પણ વિકલ્પ-1ની પસંદગી કરી છે.
કેન્દ્ર સરકારે રાજ્યો વતી 30,000 કરોડ રૂપિયાનું ઉધાર લીધું છે અને તે પૈકી 26 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોને પાંચ હપ્તામાં 23 ઓક્ટોબર, 2 નવેમ્બર, 9 નવેમ્બર, 23 નવેમ્બર અને 1 ડિસેમ્બરે રકમ ચુકવવામાં આવી છે.
હવે જ્યારે રાજ્યોને આગામી હપ્તો ચુકવવામાં આવશે ત્યારે તેમાં ઝારખંડ અને છત્તીસગઢને પણ સામેલ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે છત્તીસગઢે આ સપ્તાહની શરૂઆતમાં જ વિકલ્પ-1 સ્વીકારવાની જાણ કેન્દ્ર સરકારને કરી હતી.સાત ડિસેમ્બર,2020ના રોજ 28 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોને આગામી હપ્તો ચૂકવવામાં આવશે.જે માટે કુલ 6000 કરોડ રૂપિયા જારી કરવામાં આવશે.

