– જાન્યુઆરી-2021માં સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની પેનલ બનાવી હતી
– જે કાયદાનું સમર્થન ત્રણ કરોડ ખેડૂતો કરતા હતા તેને રદ્ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય અયોગ્ય : પેનલનો રીપોર્ટ
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે બનાવેલી પેનલે અહેવાલ આપ્યો હતો.એમાં દાવો થયો હતો કે દેશના ૮૬ ટકા ખેડૂત સંગઠનો નવા કૃષિ કાયદાની તરફેણમાં હતા.પેનલે તો ત્યાં સુધી કહ્યું હતું કે ત્રણ કરોડ જેટલા ખેડૂતો જે કાયદાનું સમર્થન કરતા હતા તેને પાછો ખેંચી લેવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય અયોગ્ય છે.
કેન્દ્ર સરકારે બનાવેલા નવા કૃષિ કાયદાનો વિવાદ થયો અને એ મુદ્દે દેશભરમાં ખેડૂત આંદોલન થયું એ વખતે સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની એક પેનલ બનાવી હતી.આ સમિતિને કૃષિ કાયદાના સંદર્ભમાં વાસ્તવિક હકીકત જણાવવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.સુપ્રીમની આ સમિતિનો અહેવાલ હવે જાહેર થયો હતો.એમાં દાવો થયો હતો કે દેશના ૮૬ ટકા ખેડૂત સંગઠનો સરકારના નવા કૃષિ કાયદાની તરફેણમાં હતા.એટલે કે દેશના ૮૬ ટકા ખેડૂત સંગઠનો નવો કૃષિ કાયદો કેન્દ્ર સરકારે પાછો ખેંચી લીધો તેના વિરોધમાં હતા.સુપ્રીમની પેનલના અહેવાલમાં તો ત્યાં સુધી કહેવાયું હતું કે આ ૮૬ ટકા ખેડૂત સંગઠનોમાં ત્રણ કરોડ જેટલા ખેડૂતો જોડાયેલા હતા.બહુમતી ખેડૂતો જે કાયદાનું સમર્થન કરતા હતા તેને પાછો ખેંચી લેવાનો સરકારનો નિર્ણય અયોગ્ય છે.
સુપ્રીમ કોર્ટની આ પેનલમાં ચાર સભ્યો હતા.અર્થશાસ્ત્રી અશોક ગુલાટી,અનિલ ધનવત,પ્રમોદ કુમાર જોશી,ભુપેન્દ્ર માન એમ ચાર સભ્યોની સમિતિને સુપ્રીમ કોર્ટે જમીની હકીકત જણાવતો રીપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો.એ પેનલમાંથી ભુપેન્દ્ર માન થોડા વખત પછી હટી ગયા હતા.ત્રણ સભ્યોની પેનલે સુપ્રીમને જે અહેવાલ રજૂ કર્યો હતો એમાં ખેડૂતોના હિતમાં કેટલીક ભલામણો પણ કરી છે.એમાં કહેવાયું હતું કે પાકની ખરીદી માટે વ્યવસ્થા કરવી જોઈએ.વિવાદો ઉકેલવા માટે કિસાન અદાલત જેવી કોઈ વ્યવસ્થા થઈ શકે.કૃષિ ક્ષેત્રના મૂળ ઢાંચામાં સુધારો થાય તે માટે બોડી બનાવવી જોઈએ.એગ્રીકલ્ચર માર્કેટિંગ કાઉન્સિલ બધા જ રાજ્યોમાં મહત્વની ભૂમિકા ભજવે એવી ભલામણ પણ એમાં થઈ છે.

