છેલ્લા છ વર્ષમાં બેન્ક ઓફ બરોડા (બીઓબી) અને ઈન્ડિયન બેન્કની નોન પર્ફોમિંગ એસેટ્સ ( NPA )માં જંગી વધારો થયો છે. બંને બેન્કોની કુલ NPA વધીને ૧,૦૫૭૦૧.૨૯ કરોડ થવા જાય છે તેવો ખુલાસો રાઈટ ટૂ ઈન્ફર્મેશન (આરટીઆઇ)ની અરજીના જવાબમાં થયો છે.બેન્ક ઓફ બરોડાની NPAમાં છ ગણો વધારો થયો છે અને તે ૭૩,૧૪૦ કરોડ રૂપિયા પર પહોંચી છે.જ્યારે ઈન્ડિયન બેન્કની NPAમાં ચાર ગણો વધારો થયો છે અને હવે તે ૩૨,૫૬૧.૨૬ કરોડ રૂપિયા પર પહોંચી છે.
આટલી વધી NPA
આરટીઆઇના પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું છે કે, બેન્ક ઓફ બરોડાની NPA વર્ષ ૨૦૧૪ના માર્ચના અંતે ૧૧,૮૭૬ કરોડ રૂપિયા હતી.જે ડિસેમ્બર-૨૦૧૯ સુધીમાં વધીને ૭૩,૧૪૦ કરોડ થઈ ગઈ છે.NPA એકાઉટ્સ ૩૧મી માર્ચ, ૨૦૧૪ના રોજ ૨,૦૮,૦૩૫ હતા, જે ડિસેમ્બર-૨૦૧૯માં ૬ લાખ ૧૭ હજાર ને ૩૦૬ થવા જાય છે. ઈન્ડિયન બેન્કની NPA ૩૧ માર્ચ, ૨૦૧૪ના રોજ ૮,૦૬૮.૦૫ કરોડની હતી,જે વધીને ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ ૩૨,૫૬૧.૨૬ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે.NPA એકાઉન્ટ્સ જે ૨૦૧૪ના નાણાંકીય વર્ષના અંતે ૨,૪૮,૯૨૧ હતા, તે વધીને ૨૦૨૦ના નાણાંકીય વર્ષના અંતે ૫,૬૪,૮૧૬ થઈ ગયા હતા.
બેંકો અલગ અલગ ચાર્જ પેટે ગ્રાહકો પાસેથી જંગી રકમ વસૂલે
કોટા સ્થિત આરટીઆઇ એક્ટિવિસ્ટ સુજીત સ્વામીએ NPA એકાઉન્ટ્સ અંગે માંગેલી માહિતીના પ્રત્યુત્તરમાં આ ખુલાસો થયો હતો.આરટીઆઇ જણાવે છે કે,રાજ્યો દ્વારા ચલાવવામાં આવતી બેન્કો એસએમએસ એલર્ટ સેવા, ન્યૂનતમ બેલેન્સ ચાર્જ, લોકર ચાર્જ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ સર્વિચ ચાર્જ,આઉટવર્ડ, ઈનવર્ડ, લેજર વિગેરે જેવા ચાર્જ થકી ગ્રાહકો પાસેથી જંગી રકમ વસૂલે છે.બેન્ક ઓફ બરોડાએ એપ્રિલ-૨૦૧૮ થી લઈને ૨૯ ફેબુ્રઆરી-૨૦૨૦ સુધીમાં એસએમએસ એલર્ટ ફી તરીકે ૧૦૭.૭ કરોડ રૂપિયા વસુલ્યા હતા.જ્યારે આ જ સમયગાળામાં ઈન્ડિયા બેન્કે તેના ગ્રાહકો પાસેથી એસએમએસ ચાર્જ તરીકે રૂપિયા ૨૧ કરોડની વસુલાત કરી હતી.


