– આ અરજદારો માહિતી મેળવવા સરકારી ઓફિસરો પર દબાણ કરતા હોવાનો આરોપ,ત્રણેય વ્યક્તિને પાંચ વર્ષ સુધી માહિતી નહીં મળે
સમગ્ર દેશમાં ગુજરાતમાં એક નવો ચિલો શરૂ થયો છે.માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી મેળવતા અરજદારોને પ્રતિબંધિત કર્યો હોવાનો કિસ્સો નોંધાયો છે.એક સાથે ત્રણ વ્યક્તિ સામે આવો પ્રતિબંધ છે.તેમને પાંચ વર્ષ સુધી કોઇપણ જાતની માહિતી આપવામાં નહીં આવે.
પ્રતિબંધિત અરજદારો માહિતી મેળવવા માટે સરકારી ઓફિસરો પર દબાણ કરતા હોવાનો આરોપ મૂકીને ગુજરાતના માહિતી કમિશનરે આ પગલું લીધું છે જે કાયદાના સિદ્ધાંતની વિરૂદ્ધ હોવાની રજૂઆત થઇ રહી છે.ચીફ ઇન્ફર્મેશન કમિશનરેટના ડીપી ઠાકરે જે ઓર્ડર ઇસ્યુ કર્યો છે તેમાં ચિંતનભાઇ, ભારતીબેન અને ધીલરીબેનને માહિતી માગવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ એક મહિના કે એક વર્ષ માટે નહીં પરંતુ પાંચ વર્ષ માટે મૂકવામાં આવ્યો છે.
ભારતમાં આરટીઆઇના ઇતિહાસમાં આ પહેલો બનાવ છે કે જેમાં કોઇ સૂચના આયુક્તે કોઇ નાગરિક પર માહિતી માગવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.અધિનિયમ પ્રમાણે માહિતી કમિશનર પાસે એવી સત્તા છે કે કોઇપણ વિભાગીય માહિતી અધિકારી નાગરિકને સમયસર માહિતી ન આપે તો તેને દંડ થઇ શકે છે પરંતુ અધિનિયમમાં એવું કોઇ પ્રાવધાન નથી કે આરટીઆઇનો ઉપયોગ કરનારા નાગરિકો સામે કોઇ જાતનો પ્રતિબંધ મૂકવામાં આવે.
રાજ્યના ત્રણ નાગરિકો માટે મૂકવામાં આવેલો આ પ્રતિબંધ સંવિધાન વિરૂદ્ધનો છે.આરટીઆઇ અધિનિયમમાં નાગરિકોને આરટીઆઇ દાખલ કરવા અથવા તો અપીલ કરવા સામે રોકવાનું કોઇ પ્રાવધાન નથી. માહિતી અધિકાર ગુજરાત પહેલ (એમએજીપી)એ તત્કાલ આવો આદેશ પાછો ખેંચવા માટે કમિશનરેટને અપીલ કરી છે અને કહ્યું છે કે જો કોઇ વ્યક્તિ કાનૂનનું ઉલ્લંઘન કરે તો તેની સામે ઉચિત કાનૂની કાર્યવાહી કરી શકાય છે પરંતુ સંસદ દ્વારા પારિત કરવામાં આવેલા આ અધિનિયમમાં કોઇ નાગરિકને માહિતી માગતા રોકી શકાતી નથી.


