દમણ : 1લી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કર્યું છે.સંઘપ્રદેશ દમણમાં પણ સરકારની ગાઇડ લાઇન મુજબ અત્યાર સુધીમાં 14,112 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.જોકે રવિવારે રાત્રે દમણ પ્રશાસન તરફથી વેક્સિનેશન સેન્ટરની યાદી જાહેર કરવામાં આવી હતી.જેમાં નાની દમણ સ્થિત ભાજપ કાર્યાલયનો પણ સમાવેશ થતાં વિવાદ ઉભો થયો છે.આ મુદ્દે દમણ દીવ કોંગ્રેસ પ્રમુખે કલેકટરને ફરિયાદ કરી છે.
સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવ પ્રશાસનના કલેકટર તરફથી રવિવારે સાંજે કોરોના વેક્સિનેશન સેન્ટરની યાદી જાહેર કરવામાં આવી છે.સોમવારથી 17 જેટલા સેન્ટર ઉપર રસીકરણ કરાશે.જેમાં આરોગ્ય કેન્દ્ર,સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ અને શાળા કોલેજો ઉપરાંત મોટા ઔદ્યોગીક એકમોમાં પણ રસી આપવામાં આવશે.જોકે દમણ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પણ કોરોના વેક્સિનનું સેન્ટર અપાતા વિવાદ સર્જાયો છે.સોશ્યિલ મીડિયામા ચાલતી ચર્ચા મુજબ સમગ્ર દેશમાં માત્ર એક સંઘપ્રદેશ દમણના ભાજપ કાર્યાલયમાં વેક્સિનેશન આપવામાં આવશે.
આ મુદ્દે દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપીને આ અંગે દમણ કલેકટરને ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે.દમણ કલેક્ટર રાકેશ મિન્હાસે આ મુદ્દે જરૂરી તપાસ કરવા અંગે ખાતરી આપી હતી.હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.


