(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨ : દેશમાં કોરોનાના નવા ૧૫૮૧ કેસો સામે આવતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૦,૧૦,૯૭૧ થઇ ગઇ છે.જ્યારે બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૨૩,૯૧૩ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૩ લોકોના મોત નોંધાતા દેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૧૬,૫૪૩ થઇ ગયો છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૧૧૯૩નો ઘટાડો થયો હતો.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ ૦.૨૮ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૦.૩૯ ટકા નોંધવામાં આવ્યો છે.
આ સાથે દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૧૮૧.૫૬ કરોડને પાર થઇ ગઇ છે.કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે તેણે કોરોના માટેની વેક્સિનને ફરજિયાત બનાવી નથ અને અમે ફક્ત એટલું જ જણાવ્યું છે કે ૧૦૦ ટકા રસીકરણ થવું જોઇએ.
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિટર જનરલ તુષાર મહેતાએ આ સ્પષ્ટતા કરી હતી.આ દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે તે વિશ્વના કેટલાક ભાગોમાં કોરોનાના વધી રહેલા કેસો પર ઝીણવટભરી નજર રાખી રહી છે.સરકારે વધુમાં જણાવ્યુ છે કે કોરોના લહેરની ભવિષ્યવાણી કરવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ ગાણિતીક મોડેલ ખૂબ જ ઓછા સેમ્પલને ધ્યાનમાં લેતા હોવાથી તેનો અંદાજ ચોક્કસ હોતો નથી.

