– એક જ દિવસમાં નવા 1993 પોઝિટિવ કેસ નોંધાયા, 73 લોકોના મોત થયા
નવી દિલ્હી,
દેશમાં કોરોનાનો કહેર યથાવત છે અને દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાતો જોવા મળે છે.કોરોના વાયરસનો કાળમુખા પંજામાં દેશના મોટાભાગના વિસ્તારો આવી ગયા છે.સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 35,000ને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,993 નવા પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ કેસો 35,043 થઈ ગયા છે.એક દિવસમાં દેશમાં 73 લોકોના મોત થયા હોવાથી અત્યાર સુધીમાં કુલ 1,147 મરણ થયા છે.
કોરોના સામે દેશના તબીબો સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે.હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8,889 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપી દેવામાં આવી હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 એપ્રિલના લોકડાઉનનું પ્રથમ ચરણ પૂર્ણ થયા બાદ તેને 3જી મે સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.દેશમાં હવે ધીરે ધીરે અર્થતંત્રને પુનઃ વેગવંતુ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને દેશમાં લોકડાઉન અંગેની સ્થિતિની સમીક્ષા કરી હતી.
દેશમાં કોરોના વાયરસમાંથી રિકવરીનો દર વર્તમાન સમયે 25.18 ટકા છે અને તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.બે સપ્તાહ પૂર્વે દેશમાં રિકવરી રેટ 13 ટકા હતો.ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંખ્યાબંધ ટ્વીટ કરીને દેશમાં લોકડાઉન આગામી સમય માટે વધુ લંબાવાના સંકેત આપ્યા હતા.જો કે કેટલાક જિલ્લાઓ જ્યાં કોરોનાના કેસો ઓછા છે ત્યાં કેટલીક છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા છે.

