– ગત વર્ષે 28 જાન્યુઆરી, 2021ના રોજ પણ કેસોમાં આ જ પ્રકારનો વધારો જોવા મળ્યો હતો
નવી દિલ્હી, તા. 05 જાન્યુઆરી, 2022, બુધવાર : મંગળવારે દેશમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો હતો.રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં 56%ના વધારા સાથે લગભગ 58 હજાર કેસ નોંધાયા છે.મીડિયા રિપોર્ટના આંકડા પ્રમાણે મહારાષ્ટ્ર,દિલ્હી,પશ્ચિમ બંગાળ,કર્ણાટક,તમિલનાડુ,ગુજરાત,રાજસ્થાન,આંધ્રપ્રદેશ,બિહાર,ઓડિશા,હિમાચલ પ્રદેશ,કેરળ,ગોવા,પંજાબ અને તેલંગાણામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે અને આ જ કારણે કોરોનાનો આંકડો 50,000ને પાર કરી ગયો છે.જોકે, ભારતમાં કોરોનાના કેસોની છેલ્લી સંખ્યા બુધવારે સવારે 9:00 વાગ્યે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે કોરોનાના આંકડા
મહારાષ્ટ્ર (18,466), દિલ્હી (5,481), બંગાળ (9,073), કર્ણાટક (2,479), કેરળ (3,640), તમિલનાડુ (2,731), ગુજરાત (2,265), રાજસ્થાન (1,137), તેલંગાણા (1,052), પંજાબ (1,027), બિહાર (893), ઓડિશા (680), ગોવા (592), આંધ્ર પ્રદેશ (334), હિમાચલમાં 260 કેસો છે.
ગઈ કાલની તુલનામાં દર્દીઓની સંખ્યામાં 56%નો વધારો
મંગળવારે રજૂ થયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાયા હતા પરંતુ બુધવારના આંકડા પ્રમાણે લગભગ 58 હજાર કેસો સામે આવ્યા છે જે ગઈ કાલની તુલનામાં 56%થી પણ વધારે છે.
ગત વર્ષે 28 જાન્યુઆરીએ પણ આ પ્રકારનો વધારો
ગત વર્ષે 28 જાન્યુઆરી, 2021ના રોજ પણ કેસોમાં આ જ પ્રકારનો વધારો જોવા મળ્યો હતો અને એવું એટલા માટે થયું હતું કે પ્રજાસત્તાક દિવસ પર પરીક્ષણમાં વિક્ષેપને કારણે આગલા દિવસની ગણતરીમાં તીવ્ર ઘટાડો થયો હતો પરંતુ હજુ તો પ્રજાસત્તાક દિવસ દૂર છે અને આ પ્રકારે કેસોમાં વધારો થવો એ ચિંતાજનક છે.