મુંબઈ, તા.૨૮ : દેશમાં ગરમી વધવાની સાથે હીટ સિંકોપ, સ્નાયુઓ ખેંચાવા, થાકથી લઈને હીટ સ્ટ્રોક જેવી બીમારીઓ વધવાનું જોખમ છે.કેટલીક વખત આ બીમારીઓ જીવલેણ પણ બની શકે છે તેમ નિષ્ણાતોનું કહેવું છે.તેમણે હીટવેવને પગલે સનબર્ન અને ફંગલ ઈન્ફેક્શન થવા અંગે ચેતવણી આપી હતી.નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે, હીટવેવની આડ અસરના ભાગરૂપે કેટલીક વખત લૂ લાગવાના કારણે બાળકો અને વયસ્કના મોત પણ થઈ શકે છે અથવા કાયમી ન્યૂરોલોજિકલ નુકસાન થઈ શકે છે.અતિ હીટવેવના કારણે બાળકોને લૂ લાગી શકે છે.આથી તેમણે બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ.વધુમાં ગરમી સંબંધિત બીમારીમાં હીટ સ્ટ્રોક ખૂબ જ સામાન્ય બાબત છે.જોકે, તેના કારણે મોત પણ થઈ શકે છે.અત્યંત ગરમી હૃદય અને ફેંફસા જેવા અંગોને નુકસાન પહોંચાડી શકે છે.

