– નવી દિલ્હી, તા.૨૦ : ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં પહેલી વખત એક દિવસમાં નવા કેસ ચાર લાખ નજીક પહોંચી ગયા છે.દુનિયા હાલ કોરોનાની ચોથી લહેરમાંથી પસાર થઈ રહી છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસમાં તીવ્ર ઊછાળો આવ્યો છે.જોકે,દેશમાં બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં મૃત્યુદર ઘણો ઓછો છે.કેરળમાં એક દિવસમાં કોરોનાના નવા ૪૬,૩૮૭ કેસ નોંધાયા છે,જે અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.ગુજરાતમાં પણ એક દિવસમાં કોરોનાના ૨૪,૪૮૫ કેસ સામે આવ્યા છે,જે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના સૌથી વધુ કેસ છે.કુલ એક્ટિવ કેસ પણ વધીને ૨૦,૧૧,૧૯૨ લાખ થઈ ગયા છે,જે ૨૩૪ દિવસમાં સૌથી વધુ છે.કોરોનાનો મૃત્યુઆંક પણ ૪,૮૭,૬૯૩ને પાર થઈ ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે,ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં નવા કેસમાં તીવ્ર ઊછાળો આવ્યો છે.જોકે,દેશમાં છેલ્લા એક વર્ષમાં ચાલેલા વ્યાપક રસીકરણે ત્રીજી લહેરમાં લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.દેશમાં બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં મૃત્યુદર ઘણો ઓછો છે તેમજ કોરોના સંક્રમિતોએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પણ ઓછી પડી છે.હાલ દેશમાં પુખ્ત વયની ૭૨ ટકાથી વધુ વસતીને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે અને ૯૪ ટકા વસતીને એક ડોઝ અપાયો છે.બીજી લહેર વખતે દેશમાં માત્ર બે ટકા પુખ્ત વયના લોકોને રસી અપાઈ હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ૧લી એપ્રિલે સંક્રમિતોની સંખ્યા ૭૨,૩૩૦થી વધીને ૩૦ એપ્રિલે ૩,૪૬,૪૫૨ સુધી પહોંચી ગઈ હતી.તે દિવસે સક્રિય દર્દીઓની સંખ્યા ૩૧,૭૦,૨૨૮ હતી.તેને અનુરૂપ એક દિવસમાં સંક્રમણના કારણે મરનારા દર્દીઓની સાપ્તાહિક સરેરાશ ૩૧૯થી વધીને ૩૦ એપ્રિલે ૩,૦૫૯ પહોંચી ગઈ હતી. તેની સરખામણીમાં ત્રીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યા ૧લી જાન્યુઆરીએ ૨૨,૭૭૫થી વધીને ૨૦મી જાન્યુઆરીએ ૩.૫૦ લાખને પાર પહોંચી ગઈ છે.દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ૨૦.૧૧ લાખથી વધુ છે.પરંતુ આ દરમિયાન દૈનિક મૃત્યુ પામનારાઓની સાપ્તાહિક સરેરાશ બીજી લહેરની સરખામણીમાં ઘણી ઓછી રહી.૧લી જાન્યુઆરીએ સરેરાશ ૨૮૧ સંક્રમિતોના મોત થયા હતા જ્યારે ૨૦મી જાન્યુઆરીએ ૩૮૦ સંક્રમિતોના મોત થયા છે.
તેમણે ઉમેર્યું હતું કે દેશમાં ૧૫થી ૧૮ વર્ષની વયના બાવન ટકા સગીરોને રસીનો એક ડોઝ અપાઈ ચૂક્યો છે.ત્રીજી લહેરમાં બાળકો વધુ પ્રમાણમાં સંક્રમિત થયા હોવાના દાવાને નકારી કાઢતા રાજેશ ભૂષણે કહ્યું કે વર્ષ ૨૦૨૦માં કુલ સંક્રમિતોમાંથી ૧૦ ટકા બાળકો હતા અને કુલ મોતમાં તેમની સરેરાશ ૦.૯૬ ટકા હતી.વર્ષ ૨૦૨૧માં કુલ સંક્રમિતોમાં ૧૧ ટકા બાળકોનો સમાવેશ થાય છે અને કુલ મોતમાં તેમની સરેરાશ ૦.૭૦ ટકા હતી.ત્રીજી લહેરમાં બાળકોમાં તાવના સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે,પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી.
દરમિયાન રાહતની બાબત એ છે કે દિલ્હીમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે.દિલ્હીમાં ગુરુવારે ૧૨,૩૦૬ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૪૩નાં મોત થયા હતા.પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૨૧.૪૮ ટકા થયો હતો.મહારાષ્ટ્રમાં પણ કોરોના કેસ ઘટતાં ૨૪મી જાન્યુઆરીથી ૧થી ૯ ધોરણની સ્કૂલો ખોલવા મંજૂરી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં મહારાષ્ટ્રમાં જાન્યુઆરીના પહેલા સપ્તાહથી સ્કૂલો બંધ કરી દેવાઈ હતી.
દરમિયાન સરકારે જણાવ્યું હતું કે દેશમાં ત્રીજી લહેર વચ્ચે લોકોમાં ઘરે જ કોરોનાનો ટેસ્ટ કરાવવાનું પ્રમાણ વધ્યું છે.છેલ્લા ૨૦ દિવસમાં અંદાજે બે લાખ જેટલા લોકોએ કોરોનાના ટેસ્ટ ઘરે જ કરાવ્યા હતા.ગયા વર્ષે માત્ર ૩,૦૦૦ લોકોએ ઘરે ટેસ્ટ કરાવ્યા હતા.

