– યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર છે અને ટૂંક સમયમાં ઉત્તરાખંડ સરકારને સોંપવામાં આવશે : રંજના પ્રકાશ દેસાઈ
ઉત્તરાખંડ, તા. 01 જુલાઈ 2023, શનિવાર : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે જણાવ્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા માટે રચાયેલી સમિતિએ તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને ટૂંક સમયમાં તેને રાજ્યમાં લાગુ કરવામાં આવશે. તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે.. હવે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.ડેપ્યુટી સીએમએ કહ્યું કે, હું પુષ્કર સિંહ ધામીનો ખૂબ આભાર માનું છું કે તેણે સમાન નાગરિક સંહિતાની પહેલ કરી અને ખૂબ જ ઝડપથી તેને પહોંચાડવાનું કામ કર્યું છે.દેશમાં દરેક માટે એક જ કાયદો હોવો જરૂરી છે.લો કમિશન પર લોકોના સૂચનો પણ લઈ રહ્યા છીએ.આ અગાઉ સીએમ પુષ્કર સિંહ ધામીએ પ્રતિક્રિયા આપી હતી. સીએમ ધામીએ કહ્યું કે, ઉત્તરાખંડની જનતાએ એક રાજકીય પક્ષને સતત બીજી વખત સરકાર બનાવવાની તક આપીને આના પર પોતાની મહોર લગાવી દીધી.આ માટે જનતાએ અમને જનાદેશ આપ્યો અને હવે અમે પોતાનું આપેલું વચન નિભાવવા જઈ રહ્યા છીએ.
ક્યારે લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ
યુસીસીના અમલીકરણ વિશે માહિતી આપતા સીએમ ધામીએ જણાવ્યું કે, કમિટીએ બે લાખથી વધુ લોકોના સૂચનો અને મંતવ્યો લીધા છે.ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રચાયેલી સમિતિએ તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને ટૂંક સમયમાં રાજ્યમાં તેને લાગુ કરવામાં આવશે.આ ડ્રાફ્ટ મળતાની સાથે જ અમે તેને દેવભૂમિ ઉત્તરાખંડમાં લાગુ કરીશું.સમિતિના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈએ ઘોષણા કરી કે યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર છે અને ટૂંક સમયમાં ઉત્તરાખંડ સરકારને સોંપવામાં આવશે.સમિતિએ ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં પ્રચલિત વિવિધ પરંપરાગત પ્રથાઓની સૂક્ષ્મતાને સમજવાનો પ્રયાસ કર્યો છે.