ટેસ્લાના માલિક ઈલોન મસ્કે અમેરિકન પ્રમુખ જો બાઈડેન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે બાઈડેનને લાગે છે કે તેમની પસંદગી દેશમાં પરિવર્તન કરવા માટે થઈ હતી, પરંતુ ખરેખર તો નાટકો ઓછા થાય તે માટે તેમને પ્રમુખ બનાવાયા હતા.વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે બે ટ્વીટમાં આગામી પ્રમુખપદની ચૂંટણી બાબતે અને વર્તમાન પ્રમુખ જો બાઈડન મુદ્દે કટાક્ષ કર્યો હતો.એક ટ્વીટમાં મસ્કે લખ્યું હતુંઃ મને લાગે છે કે ૨૦૨૪માં પ્રમુખપદ માટે ઓછો ભાગલાવાદી ઉમેદવાર વધારે બહેતર રહેશે.હું હજુય એ બાબતની તરફેણ કરું છું કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર કરવું જોઈએ.મસ્કે અગાઉ એકથી વધુ વખત એ મુદ્દે ટ્વિટરની ટીકા કરતા કહ્યું હતું કે ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવાનો ટ્વિટરનો નિર્ણય બેવકૂફી હતો.કારણ કે દરેકને અભિવ્યક્તિની આઝાદી મળવી જોઈએ.
બીજી ટ્વીટમાં મસ્કે બાઈડેન ઉપર કટાક્ષ કરતા કહ્યું હતુંઃ બાઈડેનને ભ્રમ છે કે તેમને દેશમાં પરિવર્તન આવે તે માટે પ્રમુખ બનાવાયા છે, પરંતુ ખરેખર તો દેશવાસીઓએ દેશમાં નાટકો ઓછા થાય તે માટે બાઈડેનની પસંદગી પ્રમુખપદે કરી હતી.લોકોએ આ ટ્વીટ્સમાં રીએક્શન આપ્યા હતા.ઘણાં લોકોએ કહ્યું હતું કે ચૂંટણી વખતે જો બાઈડને આર્થિક, સામાજિક તેમ જ પર્યાવરણને લગતા સુધારા કરવાની ખાતરી આપી હતી,પરંતુ દોઢ-બે વર્ષ પછી પણ એ દિશામાં કોઈ કામ થયું ન હોવાથી મસ્કે કટાક્ષ કર્યો હતો.