ગાંધીનગર : ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યંત હતું કે બંધારણ,ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી હિંદુઓ બહુમતીમાં છે.તેમણે આગળ જણાવ્યું હતું કે મારા શબ્દો લખી લો જે દિવસે હિંદુઓની સંખ્યા ઓછી થઈ કે તે લઘુમતીમાં આવ્યા ત્યારે તો ન બંધારણ હશે,લોકશાહી નહી હોય,નહીં કાયદો હોય કે ન તો કોઈ કોર્ટ કચેરી હશે.
નીતિન પટેલે આ નિવેદન ગાંધીનગરમાં ભારત માતા મંદિરમાં આપ્યું.આ મંદિર રાજ્યમાં પ્રથમ ભારત માતા મંદિર માનવામાં આવે છે.નીતિન પટેલે નિવેદન આપ્યું તે સમયે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા,વીએચપી અને આરએસએસના સભ્ય હાજર હતા.
પટેલે જણાવ્યું હતું કે દેશમાં કેટલાક લોકો બંધારણ અને ધર્મનિરપેક્ષતાની વાત કરે છે, પરંતુ હું તમને જણાવી દઉં અને જો તમારે વિડીયો રેકોર્ડિંગ કરવાનું હોય તો પણ કરી લો કે બંધારણ,ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાતો કરનારા ત્યાં સુધી વાત કરશે જ્યાં સુધી દેશમાં હિંદુ બહુમતીમાં છે.હિંદુઓની વસ્તી જે દિવસથી ઘટવા માંડી અને બીજાની વધવા માંડી તે દિવસે ન તો ધર્મનિરપેક્ષતા હશે, ન લોકસભા હશે, ન તો બંધારણ હશે. બધુ હવામાં ઉડાવી દેવાશે. કશું નહી હોય.તેમણે આગળ જણાવ્યું હતું કે હું બધા અંગે વાત કરી રહ્યો નથી. હું તે પણ સ્પષ્ટ કરવા માંગું છું કે કરોડો મુસલમાનો દેશભક્ત છે. લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે.ગુજરાત પોલીસમાં હજારો મુસલમાન છે અને તે બધા દેશભક્ત છે.