નવી દિલ્હી: સીબીઆઈએ જાહેર ક્ષેત્રની 10 બેન્કોના ગ્રુપ સાથે કથિત રૂપે 1530 કરોજ રૂપિયાના ફ્રોડ કરવા મામલે લુધિયાણાની એસઈએલ ટેક્સટાઈલ લિમિટેડ (એસઈએલટી) અને તેના નિર્દેશકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.આ કંપનીએ એવી કંપનીઓના માધ્યમથી નાણાની હેરાફેરી કરી હતી જેમાંથી એકનું નામ પનામા પેપર્સ ખુલાસામાં કથિતરૂપે સામે આવ્યું હતું.અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે,સીબીઆઈની પ્રાથમિક તપાસમાં કંપનીના નિર્દેશકો – રામ શરણ સલૂજા, નીરજ સલૂજા અને ધીરજ સલૂજાના નામ છે. સાથે જ અમુક અનામી લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
કેસ નોંધાયા બાદ સીબીઆઈએ લુધિયાણામાં આરોપી ડિરેક્ટર્સની ઓફિસ અને ઘરની તલાશી લીધી હતી.તેમણે કહ્યું કે,સીબીઆઈએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની ફરીયાદ પર કાર્યવાહી કરી હતી.બેન્કે આરોપ લગાવ્યો હતો કે,કંપની અને તેના ડિરેક્ટર્સે બેન્કો સાથે ફ્રોડ કરવા માટે ગુનાહિત યોજના ઘડી અને 2009-13 વચ્ચે લોનના નાણાના બીજા કામમાં ઉપયોગ કર્યા અને આ રીતે ગ્રુપમાં સામેલ જાહેર ક્ષેત્રની 10 બેન્કોને 1530 કરોડનો ચુનો લગાવ્યો.
ગયા વર્ષે સીબીઆઈએ એસઈએલટીની મૂળ કંપની એસઈએલ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન લિમિટેડ પર બેન્ક ઓફ મહારાષ્ટ્રને 113 કરોડ રૂપિયાનું નુકશાન પહોંચાડવા અંગે કેસ નોંધ્યો હતો.સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ આરોપ લગાવ્યો છે કે,કંપનીએ નાણાની હેરાફેરી માટે સંબંધિત કંપનીઓનો ઉપયોગ કર્યો.
પોતાની ફરિયાદમાં આ બેંકે એવી કંપનીઓની સૂચિ આપી કે જેઓ એસઈએલટીમાં મોટા વ્યવસાયિક વિનિમય ધરાવે છે.તેમાંથી એક કંપની એવી પણ છે કે જેનું નામ પર પનામા પેપર્સ લીકમાં સામે આવવાની શંકા છે.બેંકની ફરિયાદ હવે એફઆઈઆરનો એક ભાગ છે.બેંકે કહ્યું કે આ વાસ્તવિક વ્યવસાયિક વિનિમય નથી.
તેમાં કહેવામાં આવ્યું છે કે રામ શરણ સલૂજા અને નીરજ સલૂજા ભારતમાં રહે છે જ્યારે ધીરજ કંપનીનો વિદેશી ધંધો જુએ છે અને વિદેશમાં રહે છે.સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આરોપીઓ દેશની બહાર ન જાય તે માટે તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવે.તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખાતાને નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) તરીકે જાહેર કર્યું હતું અને પાછળથી અન્ય બેન્કોએ પણ તે જ કર્યું હતું.
બેંકો દ્વારા કરવામાં આવેલા વિશેષ ઓડિટ દરમિયાન કંપનીએ લોન પુનર્ગઠન (સીડીઆર)ની માંગ કરી હતી.તેમણે કહ્યું કે ઓડિટ દરમિયાન એસઈએલટી તરફથી કેટલીક ગેરરીતિઓ મળી હતી,પરંતુ કંપનીએ ઓડિટર્સને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી ન હતી,જેના કારણે તેઓ મોટાભાગની વિગતો ચકાસી શક્યા નહીં.
બેન્કે આરોપ લગાવ્યો કે આ પછી સીડીઆર પેકેજથી પણ કંપનીની આર્થિક સ્થિતિમાં સુધારો નથી થયો.એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે એનપીએની ઘોષણા પછી બેંકોએ ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી જેમાં મોટા પાયે લોનની રકમનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.


