-નવી દિલ્હી, તા.૨૧ : દુનિયામાં કોરોના મહામારીનો ઓમિક્રોન વેરિઅન્ટ તિવ્ર ગતિએ વધી રહ્યો છે ત્યારે હવે ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. ભારતમાં મંગળવારે એક જ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૫૯ કેસ નોંધાતા ૧૪ રાજ્યોમાં કુલ કેસ ૨૨૦ થયા હતા.મંગળવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧ નવા કેસ સામે આવ્યા હતા.દેશમાં ઓમિક્રોનના વધી રહેલા કેસને પગલે કેન્દ્રે ચેતવણી આપતા કહ્યું કે,ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતાં ત્રણ ઘણી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે.કેન્દ્રે રાજ્યોને ઈમર્જન્સી ઓપરેશન કેન્દ્રો શરૂ કરવા નિર્દેશ આપ્યા છે.
મહારાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોનના નવા ૧૧ કેસ નોંધાતા કુલ કેસ ૬૫ થયા હતા. દિલ્હીમાં પણ ઓમિક્રોનના કેસ કેટલાક દિવસમાં જ વધીને ૫૪ થઈ ગયા છે,જેમાંથી ત્રણની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. દેશમાં મંગળવારે જમ્મુમાં અને ઓડિશા એમ વધુ બે રાજ્યોમાં ઓમિક્રોનના નવા કેસ સામે આવતા ૧૪ રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાયો છે.જમ્મુમાં ઓમિક્રોનના ત્રણ જ્યારે ઓડિશામાં બે કેસ નોંધાયા છે.તેલંગાણામાં પણ વધુ ચાર કેસ સાથે ઓમિક્રોનના કુલ ૨૪ કેસ થયા છે.તેલંગાણામાં મંગળવારે સામે આવેલા ઓમિક્રોનના ચારમાંથી ત્રણ લોકો નોન-રિસ્ક દેશમાંથી આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં કોરોના વિરોધી રસીના બંને ડોઝ લઈ લીધા હોય તેવા લોકો ઓમિક્રોનની ઝપેટમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ મુંબઈમાંથી સામે આવી રહ્યા છે.મહારાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોનના ૧૧ કેસમાંથી ૮ મુંબઈ એરપોર્ટ પર ટેસ્ટ વખતે સામે આવ્યા હતા.
દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે મંગળવારે ચેતવણી આપી હતી કે,ઓમિક્રોન વેરિઅન્ટ કોરોનાના સૌથી વધુ ઘાતક સાબિત થયેલા ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ત્રણ ગણી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે.કેન્દ્ર સરકારે રાજ્યોને ઓમિક્રોન મુદ્દે ચેતવણી આપતા તેને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.કેન્દ્રે રાજ્યોને ‘વોર રૂમ’ એક્ટિવ કરવા તેમજ ઈમર્જન્સી ઓપરેશન કેન્દ્રો શરૂ કરવા જણાવ્યું છે.
કર્ણાટક સરકારે કહ્યું કે,૩૦ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધી રાજ્યમાં કોઈપણ પ્રકારની પાર્ટીના આયોજનને મંજૂરી અપાશે નહીં.મુંબઈમાં પણ સરકારે લોકોને ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણીઓથી દૂર રહેવા સલાહ આપી છે.તંત્રે જનતાને લગ્નો અને અન્ય મેળાવડાઓમાં કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવા જણાવ્યું છે.
દેશમાં ઓમિક્રોનના ભય વચ્ચે કોરોના મહામારીના દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.મંગળવારે કોરોનાના નવા ૫,૩૨૬ કેસ નોંધાયા હતા,જે ૫૮૧ દિવસમાં સૌથી ઓછા છે.આ સાથે કુલ કેસ ૩,૪૭,૫૨,૧૬૪ થયા હતા.વધુ ૪૫૩નાં મોત સાથે મૃત્યુઆંક પણ ૪,૭૮,૦૦૭ થયો હતો. એક્ટિવ કેસ પણ ઘટીને ૭૯,૦૯૭ થયા હતા,જે ૫૭૪ દિવસમાં સૌથી ઓછા છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૩,૪૧,૯૫,૦૬૦ દર્દી સાજા થયા છે અને કોરોના વિરોધી રસીના ૧૩૮.૩૫ કરોડ ડોઝ અપાયા છે.

