– બારડોલી સુગર ફેક્ટરીની સામાન્ય સભા મળી
બારડોલી : શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. (બારડોલી સુગર ફેકટરી)ની 65મી વાર્ષિક સામાન્ય સભા સોમવારના રોજ કન્યા વિદ્યાલય અસ્તાન ખાતે ઉપપ્રમુખ ભાવેશ પટેલની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં 1લી એપ્રિલ 2019થી 31મી માર્ચ 2020 સુધીના અહેવાલ તથા હિસાબોને બહાલી આપવામાં આવી હતી.બારડોલી સુગર ફેકટરીની સામાન્ય સભામાં દેશમાં ખાંડ ઉદ્યોગની સ્થિતિ અંગે ઉપપ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે,આપણા દેશમાં 2019-20ની પીલાણ સિઝન દરમ્યાન 273.85 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે.જ્યારે આગામી 2021-21ની સીઝનમાં 311 લાખ ટન જેટલી ખાંડનું ઉત્પાદન થવાની આશા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી વૈશ્વિક સ્તરે થયેલા બમ્પર ખાંડ ઉત્પાદનને કારણે ઉદભવતી કપરી સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા અને એમ.એસ.પી. જાહેરકરવામાં આવી હતી.સરકારની અસરકાર નીતિ અને નિર્ણયોને કારણે ખાંડ ઉદ્યોગમાં નાણાભીડમાં આંશિક રાહત થઈ છે.કોવિડ 19ને કારણે માનવજીવનની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં મંદીનો માહોલ સર્જાયો છે.આથી આવનાર વર્ષોમાં મોંઘવારી વધવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી.ભાવેશ પટેલે સભાસદોને વધુ રિકવરી આપતી જાતોનું મહત્તમ વાવેતર કરવા માટે અનુરોધ કર્યો હતો,વધુમાં તેમણે શેરડી બળવાનું પ્રમાણ શક્ય એટલું ઘટાડવા વિનંતી કરી હતી. 2019-20ની પીલાણ સિઝન દરમ્યાન સુગર ફેકટરી દ્વારા 15 લાખ 13 હજાર 450 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી સરેરાશ 11.06 ટકાની રિકવરી સાથે 16 લાખ 83 હજાર કવિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું.સભામાં ઉપસ્થિત સભાસદોએ સંસ્થા માટે ફાયદાકારક પ્લાન્ટ સ્થાપવા માટે સૂચનો કર્યા હતા આ ઉપરાંત કેટલાક પ્રશ્નો જેવા કે અન્ય સુગર ફેકટરીઓમાંથી શેરડી પીલાણ માટે લાવવી,બગાસથી થતી આવકમાં ઘટાડો, રિકવરી અંગેના પ્રશ્નો કર્યા હતા.આ પ્રસંગે સહકારી અગ્રણી ભીખાભાઇ ઝવેરભાઈ પટેલે આભારવિધિ કરતા જણાવ્યું હતું કે,બારડોલી સુગર ફકેટરી પાસે કોઈ બાયપ્રોડક્ટ નથી છતાં અન્ય સુગર ફેકટરીઓ કરતા ઊંચા ભાવ સભાસદોને આપે છે.


