– 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 4435 નવા કેસ નોંધાયા
– કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 23 હજારને પાર
દેશમાં કોરોના વાયરસનો ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 4435 નવા કેસ નોંધાયા છે અને સક્રિય દર્દીઓની સંખ્યા 23000ને વટાવી ગઈ છે.સપ્ટેમ્બર 2022 પછી આ પ્રથમ વખત છે જ્યારે દેશમાં એક જ દિવસમાં 4000 થી વધુ કોરોના કેસ નોંધાયા છે.ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે કુલ 4,777 કેસ નોંધાયા હતા.ભારતમાં કોરોનાની સંખ્યા 4.47 કરોડ પર પહોંચી ગઈ છે.જ્યારે 24 કલાકમાં કુલ મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સવારે 8 વાગ્યા સુધી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર આ સંખ્યામાં વધારો થયો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોવિડના કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો
હાલમાં સક્રિય કેસ કુલ સંક્રમણના 0.05 ટકા છે.મંત્રાલયના ડેટા પ્રમાણે કોવિડ-19માંથી સાજા થનારાઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.76 ટકા નોંધાયો છે.જ્યારે કોવિડ દર્દીઓનો મૃત્યુ દર 1.19 નોંધાયો હતો.આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે દેશવ્યાપી વેક્સિનેસન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોવિડના કેસોમાં ખૂબ જ તીવ્ર વધારો જોવા મળ્યો છે.એટલા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સતર્ક રહેવાની કરી અપીલ
માંડવિયાએ કહ્યું કે, આપણે સતર્ક રહેવાની જરૂર છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.હાલમાં દેશમાં ફેલાય રહેલા ઓમિક્રોનના સબ વેરિએન્ટના સંક્રમણની સંખ્યા વધી છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં વધારો નથી નોંધાયો. માંડવિયાએ કહ્યું કે, કોરોના વાયરસ સતત મ્યૂટેટ થતો રહે છે અને ભારતમાં અત્યાર સુધીમાં તેના 214 વેરિએન્ટ મળી આવ્યા છે.તેમણે કહ્યું કે, આઈસીયુ બેડ,ઓક્સિજન સપ્લાય અને અન્ય મહત્વપૂર્ણ પગલાની વ્યવસ્થા કરવામાં આવી છે.માંડવિયાએ કહ્યું કે, દર અઠવાડિયે જરૂરી તબીબી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવે છે.ભવિષ્યમાં કોરોના કેવી પરિસ્થિતિ ઉભી કરશે તેની આગાહી કરવી અશક્ય છે.પરંતુ હાલમાં કોવિડ-19 કેસમાં તેજીનું કારણ બનેલા સબ વેરિએન્ટ એટલા ખતરનાક નથી કે જેનાથી કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાઈ.