કપરાડામાં આઠ ઇંચથી વધુ મુશળધાર વરસાદ પડ્યો ગુજરાત પર છેલ્લા કેટલાક દિવસથી અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે.ગઈ કાલે પણ ગુજરાતમાં મેઘમહેર થઈ હતી.દક્ષિણ ગુજરાતના કપરાડામાં આઠ ઇંચથી વધુ મુશળધાર વરસાદ વરસ્યો હતો,જ્યારે વરસાદની આ સીઝનમાં પહેલી વાર એકસાથે ૨૦ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.બીજી તરફ હજી પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૯૫ તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો.એમાં પણ ૩૧ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.કચ્છ,સૌરાષ્ટ્ર તેમ જ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો હતો.
કચ્છ,જૂનાગઢ,જામનગર,દેવભૂમિ દ્વારકા,વલસાડ,નવસારી,ડાંગ,સુરત,તાપી,છોટાઉદેપુર,પંચમહાલ,નર્મદા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.વાંસદા તાલુકામાં સાડાછ ઇંચ,મહુવા(સુરત)અને વ્યારામાં છ ઇંચથી વધુ,ડોલવણમાં છ ઇંચ,ચીખલીમાં સાડાપાંચ ઇંચ,દ્વારકામાં સવાપાંચ ઇંચ,ઉમરપાડામાં પાંચ ઇંચ,નિઝરમાં પાંચ ઇંચ,નખત્રાણામાં સાડાચાર ઇંચ,ખેરગામમાં ચાર ઇંચથી,વઘઈ,જોડિયા,ખંભાળિયા,વિસાવદર,સાગબારા,કલ્યાણપુર અને બારડોલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.