રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે મહોરમ નિમિત્તે તાજીયા ન કાઢવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.જે જગ્યા પર તાજીયાની સ્થાપના કરવામાં આવી હોય ત્યાં જ તાજીયાનું વિસર્જન કરવા માટેની સુચના આપવામાં આવી છે.ત્યારે તાજીયા કાઢવા બાબતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના દેવભૂમિ દ્વારકાના સલાયામાં સામે આવી છે.જ્યાં તાજીયા કાઢવા ઈચ્છતા લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું અને મામલો બીચકતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી.
સલાયામાં તાજીયા કાઢવા ઈચ્છાતા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસની જીપને પલટી નાંખી હતી.લોકોના આ ઉગ્ર વિરોધના કારણે એક પોલીસકર્મીને માથાના ભાગે ઈજા થવા પામી હતી.તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉગ્ર બનેલા અસામાજિક તત્ત્વોએ પોલીસના વાહનોમાં તો તોડફોડ કરી હતી સાથે અન્ય વાહનોમાં પણ નુકસાન કર્યું હતું.સલાયામાં પોલીસકર્મી સાથે લોકોનું તાજીયા કાઢવા માટે ઘર્ષણ થયું હોવાની જાણ પોલીસ ઉચ્ચ અધિકારીઓને થતા તેમને આખા જિલ્લાનો પોલીસ કાફલો સલાયામાં ખડકી દીધો હતો.ઘર્ષણના કારણે સલાયા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.પોલીસે ઘર્ષણ કરી રહેલા અને પથ્થરમારો કરતા ઇસમો પર કાબુ મેળવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. રાત્રીના સમયે મુસ્લિમ સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઘટનાને લઇને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.ત્યારબાદ તેમને સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને મામલો થાળે પાડ્યો હતો.આ ઘટનામાં પોલીસે લોકોના ટોળા સામે ગુનો પણ દાખલ કર્યો છે.
આ ઘટનાને લઇને ACP હિતેશ ધંધાલીયાએ જણાવ્યું હતું કે, ક્યાંક એક ગેરસમજના કારણે ખોટી અફવા ફેલાઈ હતી.આ અફવાના હિસાબે થોડી વાર ભાગાભાગીનો બનાવ બન્યો હતો.કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો નથી.કોઈને ઈજા થઇ નથી.સરકારના નિયમ અનુસાર તાજીયાઓ જ્યા રાખવાના છે ત્યાં રાખવામાં આવ્યા છે.લોકો તેમની ધાર્મિક લાગણીઓ પ્રમાણે વિધિ કરી રહ્યા છે.
આ બાબતે SP હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, નીતિ નિયમ અનુસાર તાજીયા ફેરવવાના છે નહીં તે પ્રકારે ચર્ચા ચાલી રહી હતી.તે સમયે પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ થયું હતું.મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.આ ઘટના પછી સ્થાનિક અને જિલ્લા પોલીસ ઘટના સ્થળ પર આવી જતા અને સ્થાનિક આગેવાનોની સમજાવટથી માહોલ શાંત થયો હતો.