અમદાવાદ : દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ચૂકી છે.જેની અસરને કારણે રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.આજે પણ વાદળછાયા વાતાવરણ સાથે દિવસભર પવન ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી હતી.જોકે,હવામાન વિભાગે આગાહી કરી છે કે,રાજ્યમાં 48 કલાકમાં ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના છે.આગાહી પ્રમાણે,2થી 3 ડિગ્રી તાપમાન વધશે.જોકે,સતત ત્રીજા દિવસે રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.આમ છતાં આજે પણ 41.2 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું.આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં ગરમીનું વર્તમાન મોજુ જળવાઇ રહેવાની વકી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે,પવનની દિશા બદલાતા આગામી 48 કલાકમાં તાપમાનમાં વધારો થશે.રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે.રાજ્યના દક્ષિણના ભાગોમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે અને આગામી દિવસો દરમિયાન તે જારી રહેવાની વકી છે.જેના કારણે થોડા દિવસો બાદ રાજ્યમાં ભેજવાળા પવન શરૂ થવાની વકી છે.આ સાથે તાપમાનનો પારો પણ 40ની આસપાસ રહેવાની શક્યતાને કારણે લોકો કાળઝાળ ગરમી સાથે અસહ્ય બફારો આગામી દિવસોમાં સહન કરવા તૈયાર રહેવું પડશે.આજે રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન ઘટી 40 ડિગ્રીની નીચે રહ્યા હતા.દિવસે પવન ફૂંકાયો હતો અને વાદળછાયુ વાતાવારણ સર્જાયું હતું.જોકે,વધુ એક વખત વાતાવારણમાં પલટો આવવાની અને પવનની દિશા બદલાવાની શક્યતાને કારણે ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


