મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘરની ગર્લફ્રેન્ડ સોનિયા ભારદ્વાજે સિંઘરના ઘરે આપઘાત કરી લીધો એ મુદ્દો બરાબર ગાજ્યો છે ત્યારે કમલનાથની કોમેન્ટે વિવાદ પેદા કર્યો છે. ૩૯ વર્ષની સોનિયા હરિયાણાની અંબાલાની હતી.મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા પરિચયમાં આવેલી સોનિયા એક મહિનાથી ભોપાલમાં સિંઘરના બંગલામાં રહેતી હતી.
ભાજપ એ ના ભૂલે કે અમારી પાસે હનીટ્રેપ કાંડની ઓરિજિનલ કોપી
પોલીસે સિંઘર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધતાં અકળાયેલા કમલનાથે ચીમકી આપી કે, ભાજપ એ ના ભૂલે કે અમારી પાસે હનીટ્રેપ કાંડની ઓરિજિનલ કોપી છે.મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર હતી ત્યારે ગાજેલા આ સેક્સ કાંડમાં સંખ્યાબંધ નેતા અને અધિકારીઓ સંડોવાયેલા હોવાનો ધડાકો થયો હતો.
ભાજપના નેતાઓનાં કાંડ બહાર પાડવાની ધમકી આપી
વિશ્લેષકોના મતે, કમલનાથ હનીટ્રેપની પેનડ્રાઈવની વાત કરીને બ્લેકમેઈલિંગ પર ઉતરી આવ્યા છે.શિવરાજસિંહ સરકાર સિંઘર સામેનો કેસ પડતો ના મૂકે તો ભાજપના નેતાઓનાં કાંડ બહાર પાડવાની ધમકી આપીને કમલનાથ પ્રજાનો પણ દ્રોહ કરી રહ્યા છે.મુખ્યમંત્રી તરીકે સેક્સ કાંડની વિગતો બહાર પાડીને તેના દોષિતોને સજા કરાવવાના બદલે તેમણે એ વિગતો છૂપાવીને પોતાની ફરજ નથી બજાવી.