નવી દિલ્હી, તા. 04 મે 2023 : અમેરિકાની એક પૂર્વ કોલમિસ્ટ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક સ્ટોરના ચેન્જિંગ રુમમાં દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો.જેની સુનાવણી ન્યૂયોર્કની કોર્ટમાં શરુ થઈ ચુકી છે.આ દરમિયાન બુધવારે જ્યૂરી સમક્ષ ડોનાલ્ડ ટ્રમ્પે વિડિયો કોન્ફરન્સિંગથી પોતાની જુબાની આપી હતી અને કહ્યુ હતુ કે, જો મેં યૌન શોષણ કર્યુ હોત તો આ વાત લાંબો સમય સુધી છુપી ના રહી હોત.અવર જવરથી ધમધમતા સ્ટોરમાં મુલાકાતીઓ અને કર્મચારીઓને જો દુષ્કર્મ થયુ હોત તો ભનક લાગી ગઈ હોત.આ એક સૌથી હાસ્યાસ્પદ અને મનઘડંત કહાની છે.
ટ્રમ્પના વકીલોએ કહ્યુ હતુ કે, આ કેસમાં અમે કોઈ સાક્ષીઓને બોલાવવાના નથી.બીજી તરફ ન્યાયાધીશે કહ્યુ હતુ કે, સોમવારે સંભવતઃ કેસમાં આખરી સુનાવણી થશે અને મંગળવારે જ્યૂરી દ્વારા શું ચુકાદો આપવો તે અંગે વિચારણા શરુ કરવામાં આવશે. આ કેસની સુનાવણીમાં ટ્રમ્પે અત્યાર સુધી રુબરુ હાજરી આપી નથી.ટ્રમ્પ પર દુષ્કર્મનો આરોપ મુકનાર પૂર્વ કોલમિસ્ટ ઈ. જીન કેરોલના વકીલો આ મામલામાં બીજા ત્રણ સાક્ષી રજૂ કરવા માંગે છે.કેરોલે આ કેસમાં ટ્રમ્પ પાસે વળતરની પણ માંગણી કરેલી છે.
કેરોલે કોર્ટમાં કહ્યુ હતુ કે ટ્રમ્પે ન્યૂયોર્કના મેનહટ્ટનના ફિફ્થ એવેન્યૂ પર આવેલા બર્ગડોર્ફ ગુડમેન ડિપાર્ટમેન્ટ સ્ટોરના ચેન્જિંગ રુમમાં મારા પર રેપ કર્યો હતો.પહેલા તો ટ્રમ્પે મહિલાઓના અન્ડર ગારમેન્ટ ખરીદવા માટે મારી સલાહ માંગી હતી અને પછી ચેન્જિંગ રુમમાં મારા પર ત્રાટકયા હતા.
કેરોલે આગળ કહ્યુ હતુ કે, ટ્રમ્પ જે સમયે ચેન્જિંગ રુમમાં ઘૂસ્યા તે સમયે તેમનુ જાણે સ્વરુપ જ બદલાઈ ગયુ હતુ.તેઓ વધારે પડતા આક્રમક બની ગયા હતા.તેમણે મારા પર રીતસરનો હુમલો કર્યો હતો અને મારા પર રેપ કર્યો હતો.એ પછી મારા પર અપમાનજનક કોમેન્ટસ કરીને મારી મજાક ઉડાવી હતી.