લખનઉ, તા.૨૮ : દેશમાં રામનવમી અને હનુમાન જન્મોત્સવ પ્રસંગે તોફાનો તથા લાઉડસ્પિકર વિવાદના પગલે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તણાવ વધી રહ્યો છે.એવામાં ઈદ અને અક્ષય તૃતિયા જેવા તહેવાર એક જ દિવસે આવતા હોવાથી તણાવ વધવાની આશંકાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં ધર્મના નામે વાતાવરણ બગાડનારા લોકોને સાંખી લેવાશે નહીં તેવી ચેતવણી આપી છે.બીજીબાજુ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે હિંસાના મહત્વના આરોપીની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરાઈ છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, તેમની સરકાર બધા જ ધર્મોને સમાન સન્માન આપે છે, પરંતુ અન્ય લોકોને હેરાન કરવા માટે લોકો પોતાની આસ્થાનું વરવું પ્રદર્શન કરશે તો તે સાંખી નહીં લેવાય.યોગી આદિત્યનાથે જમીની સ્તરના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરતા કહ્યું કે, કેટલાક લોકોએ હનુમાન જન્મોત્સવના પ્રસંગે રાજ્યનું વાતાવરણ દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.વધુમાં આ દિવસે દેશના અનેક ભાગોમાં તોફાનો થયા હતા.આ બાબતને ધ્યાનમાં રાખીને યોગી આદિત્યનાથે અધિકારીઓને ૩જી મેએ ઈદ અને અક્ષય તૃતિયા એક સાથે ઊજવાય તેવી સંભાવના માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.
આ સિવાય મુખ્યમંત્રી યોગીએ રાજ્યમાં ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરોને યોગ્યરીતે નિયંત્રીત કરવા જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું કે, લોકતંત્રમાં સંવાદની ભૂમિકા મહત્વની છે. મુખ્યમંત્રીના આદેશ પછી રાજ્યમાં કોઈપણ પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકરને મંજૂરી નથી અપાઈ તેમજ ધાર્મિક સ્થળો પર લગાવાયેલા લાઉડ સ્પીકરોને ઉતારવાથી લઈને અનેક સ્થળો પર લાઉડ સ્પીકરનો અવાજ મર્યાદિત કરવા માટે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને ધાર્મિક નેતાઓ અને મસ્જિદો તથા મંદિરોમાં યોજાતા સમારંભોનું સંચાલન કરતી સમિતિઓ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે.દરમિયાન દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે જહાંગીરપુરી હિંસાના એક મહત્વના આરોપી ફરિદ ઉર્ફે નીતુની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી હતી.સૂત્રોએ જણાવ્યું કે, તે ખૂબ જ સક્રિય રીતે કોમી તોફાનોમાં સામેલ હતો અને તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.અમારી ટીમે પશ્ચિમ બંગાળમાં તેના સંબંધીના ઘરેથી ધરપકડ કરી હતી.તેને હવાઈ માર્ગે દિલ્હી લવાયો હતો.