ટેકસાસ તા.15 : ધુમ્રપાન આખરે તો માણસ માટે રોગ અને છેલ્લે મૃત્યુનું કારણ બની રહે છે.ધુમ્રપાન છોડવાના માત્ર 20 મીનીટમાં જ તેની આપના હૃદયની ગતિ અને બ્લડ પ્રેસર સામાન્ય થઈ જાય છે.
વર્જિનીયા કોમનવેલ્થ યુનિવર્સિટીના તાજેતરના અધ્યયનને માનીએ તો છેલ્લી સિગારેટ સળગાવ્યાના 20 મીનીટ બાદ માનવ શરીર તમાકુના દુષ્પ્રભાવમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા શરૂ કરી દે છે.
મુખ્ય સંશોધક રેશલ બી. હાયેસના જણાવ્યા અનુસાર વ્યક્તિ કેટલા લાંબા સમયગાળાથી સિગરેટની લતનો શિકાર છે એ મહત્વનું નથી,જેવો તે ધુમ્રપાનની આદતને છોડે છે કે તરત જ હૃદય અને ફેફસા સુધી તેની સકારાત્મક અસર શરૂ થઈ જાય છે.હાયેસે તો ત્યાં સુધી દાવો કર્યો છે કે,છેલ્લી સિગરેટ સેવન કર્યાની 20 મીનીટોમાં જ બ્લડ પ્રેસર અને હૃદયની ગતિ સામાન્ય થવા લાગે છે.આ બન્ને બાબતો જો વધે તો હાર્ટ એટેક અને સ્ટ્રોકથી અકાળે મૃત્યુ થાય છે તેમણે જણાવ્યું હતું કે સિગરેટ (ધુમ્રપાન) છોડવાથી સ્ટ્રેસ હોર્મોન ‘કોર્ટિસોલ’ના સ્તરમાં કમી પણ આવે છે.
કયારે, શું અસર થાય છે?
* 2 કલાક બાદ: ધુમ્રપાન છોડયાના 2 કલાક બાદ શરીરના વિભિન્ન અંગોમાં લોહીનો પ્રવાહ સુચારુ થઈ જાય છે અને તે સામાન્ય રીતે કામ કરવા
લાગે છે.
* 12 કલાક બાદ: લોહીમાં કાર્બન મોનોકસાઈડના સ્તરમાં કમી આવવા લાગે છે. આ વાયુ ઓકસીજનને ફેફસામાં જતો રોકે છે.
* 24 કલાક બાદ: બ્લડ પ્રેસર, હૃદયગતિ, રકતપ્રવાહનું સ્તર સુધરવાથી હૃદય સામાન્ય રીતે કામ કરવા લાગે છે, જેથી હાર્ટ એટેકથી મોતના ખતરામાં કમી આવે છે.
* 72 કલાક બાદ: કફ અને કિટાણુઓને શ્ર્વાસનળીમાં જામતો રોકનાર ‘સીલિયા’ પણ બીજી વાર વિકસવા લાગે છે.
* એક સપ્તાહ બાદ: નિકોટીનની તલબ શાંત થવા લાગે છે, કફનું ઉત્પાદન ઘટવા અને ઉધરસની સમસ્યા ઓછી થાય છે.
* એક મહિના બાદ: ફેફસાની કાર્યક્ષમતામાં 30 ટકા સુધારો થાય છે, જેથી વધારે ઓકસીજન ફેફસામાં જાય છે જેથી ચાલવા-ફરવા, સીડી ચડવા કે કસરત કરવા દરમિયાન શ્વાસ નથી ચડતો.


