નવી દિલ્હી, તા. 26 માર્ચ 2022, શનિવાર : જો ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) એક ફિલ્મ છે તો એમએસ ધોની (MS Dhoni) પટકથા લેખક,નિર્દેશક અને મુખ્ય નાયક છે જેમાં એન શ્રીનિવાસન એક શાનદાર નિર્માતા હશે જેને પોતાના આ ધુરંધર પર પૂરો વિશ્વાસ છે પરંતુ 14 વર્ષ બાદ પ્રથમ વખત ધોનીની સાથે કેપ્ટન શબ્દ નહીં જોડાયેલો હોય કારણ કે,તેમણે કેપ્ટનશીપ છોડી દીધી છે. જ્યારે કેપ્ટનશીપ તેમની ઓળખનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે.CSKના CEO કાશી વિશ્વનાથને મીડિયાને જણાવ્યું હતું કે,આ ધોનીનો નિર્ણય હતો અને બધાએ તેના આ નિર્ણયનું સમ્માન કરવું જોઈએ. ધોનીએ આ નિર્ણય અચાનક નથી લીધો.તે છેલ્લા કેટલાક સમયથી આ અંગે પ્લાન કરી રહ્યો હતો.કેપ્ટનશીપના પદને અંતિમ વખત છોડવાનો સમય આનાથી યોગ્ય ન હોઈ શકે અને હવે પછી એક દશક બાદ બે યુગ હશે – BD(બિફોર ધોની) અને AD(આફ્ટર ધોની) ધોની અગાઉ અને ધોની બાદ.
2018માં CSKની આઈપીએલમાં વાપસી દરમિયાન જાહેર પ્રસંગે માત્ર એક જ વખત ધોનીની આંખો ભીંજાયલી જોવા મળી હતી.તેઓ ભાવુક થઈ ગયા હતા અને ટીમ સાથે તેમની લાગણી સ્પષ્ટ દેખાઈ આવી હતી.તે ચેન્નાઈના ‘થાલા’ છે જે ક્યારેય ખોટા નથી હોતા.તેઓ ટીમના એવા કેપ્ટન છે જેમને ક્યારેય હરાવી નહીં શકાય અને તેની પાછળ કારણ પણ છે કે,કોઈ પણ ફ્રેન્ચાઈઝી 12 તબક્કામાં 9 વખત આઈપીએલની ફાઈનલ સુધી પહોંચી નથી શકી.


