નવી મુંબઈ, તા.૨૧ : ધોની(૧૩ બોલમાં ૨૮*)એ તેના આગવા અંદાજમાં આખરી બોલે વિજય માટે જરુરી ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને મુંબઈ સામેની આઇપીએલ ટી-૨૦માં ત્રણ વિકેટથી રોમાંચક જીત અપાવી હતી. ચેન્નાઈને જીતવા માટે આખરી ઓવરમાં ૧૭ રનની જરુર હતી, ત્યારે ઉનડકટના પહેલા બોલે પ્રેટોરિઅસ(૨૨) એલબીડબલ્યુ થયો હતો.બીજા બોલે બ્રાવોએ એક રન લેતા ધોનીને સ્ટ્રાઈક આપી હતી. ધોનીએ ત્યાર બાદ છગ્ગો અને ચોગ્ગો ફટકારતાં તેમને જીતવા આખરી બે બોલમાં છ રનની જરુર હતી.ધોનીએ પાંચમા બોલે બે રન લીધા હતા અને આખરી બોલે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.ચેન્નાઈએ ૧૫૬ના પડકારને સાત વિકેટે પાર પાડતાં સિઝનની બીજી જીત હાંસલ કરી હતી.જ્યારે મુંબઈ સતત સાતમી મેચ હારતાં પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર ફેંકાયું હતુ.
ચેન્નાઈ તરફથી રાયડુએ ૪૦, ઉથપ્પાએ ૩૦ અને પ્રેટોરિઅસે ૧૪ બોલમાં ૨૨ રન કર્યા હતા. સૅમ્સે ૩૦ રનમાં ચાર વિકેટ મેળવી હતી.અગાઉ મુંબઈ ઈન્ડિયન્સે આઘાતજનક શરૃઆતમાંથી બહાર આવતા તિલક વર્માની અણનમ ૫૧ રનની ઈનિંગને સહારે ચેન્નાઈ સામેની આઇપીએલ ટી-૨૦માં સાત વિકેટે ૧૫૫ રન કર્યા હતા.ચેન્નાઈના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ પહેલી જ ઓવરમાં રોહિત શર્મા (૦) અને ઇશાન કિશન (૦)ની વિકેટ ઝડપતાં મુંબઈના કેમ્પમાં સન્નાટો છવાઈ ગયો હતો.માત્ર બે રનમાં જ બે વિકેટ ગુમાવનારી મુંબઈને ટીમને યુવા બેટ્સમેન તિલક વર્માએ ઉગારી હતી.મુકેશ ચૌધરીએ ઘાતક સ્પેલ આગળ ધપાવતા બ્રેવિસ (૪)ને આઉટ કરતાં મુંબઈે ૨૩ રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી.સુર્યકુમારે ઈનિંગને સંભાળવાની કોશીશ કરી હતી, પણ તે ૩૨ રને સાન્ટનરનો શિકાર બન્યો હતો.તિલક વર્માએ હૃતિક શોકીન સાથે મળીને વિકેટ પતન અટકાવ્યું હતુ.બંનેએ ૩૬ બોલમાં ૩૮ રન જોડયા હતા અને ઈનિંગને સ્થિર કરી હતી.
તિલક વર્માએ ૪૩ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૫૧ રન ફટકાર્યા હતા.તેણે પોલાર્ડ (૧૯) સાથે ૨૬ રન જોડયા હતા.જ્યારે તેની અને સેમ્સ વચ્ચે ૯ રનની ભાગીદારી થઈ હતી.આખરે તિલક અને જયદેવ ઉનડકટની જોડીએ ૧૬ બોલમાં અણનમ ૩૫ રનની ભાગીદારી કરતાં સ્કોરને ૧૫૦ને પાર પહોંચાડયો હતો.ઉનડકટ ૯ બોલમાં ૧૯ રને અણનમ રહ્યો હતો.મુકેશ ચૌધરીએ ૧૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.