– મુખ્ય વિષયોની પરીક્ષા સરકારી,ગાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં સમાન રીતે લેવા પરિપત્ર અમદાવાદ
ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં ધો.૩થી૮માં ૧૮મી એપ્રિલથી દ્રિતિય સત્રાંત પરીક્ષાઓ શરૃ થશે.જીસીઈઆરટી દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને પરીક્ષાઓ યોજવા બાબતે પરિપત્ર કરવામા આવ્યો છે અને સાથે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામા આવ્યુ છે.
ધો.૩થી૮માં ગુજરાતી,ગણિત,વિજ્ઞાાન,સામાજિક વિજ્ઞાાન,પર્યાવરણ વિષયની સમાન કસોટી રાજ્યભરની સ્કૂલોમાં લેવાશે.જ્યારે બાકીના વિષયોની કસોટી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.સરકારી પ્રાથમિક સ્કૂલોમાં તમામ શૈક્ષણિક વિષયોની સમાન કસોટીઓનો અમલ કરાશે.
જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણના તમામ વિષયની પરીક્ષા સરકારના નક્કી કરાયેલા ટાઈમ ટેબલ મુજબ યોજવાની રહેશે.આ પરીક્ષા દ્રિતિય સત્રના અભ્યાસક્રમ મુજબ લેવાશે.તમામ ડીઈઓ-ડીપીઓને કરાયેલા પરિપત્ર મુજબ જિલ્લા કક્ષાએ નોડલ ઓફિસરની નિમણૂંક કરાશે અને પ્રશ્નપત્રોની સીડી લેવા તેઓને મોકલવાના રહેશે.જિલ્લાના શાસનાધિકારી,ડીઈઓ તેમજ ડીપીઓ સંકલન કરીને કોઈ એક નોડિલ ઓફિસરને મોકલી શકશે.પેપરના પ્રુફ,ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા શિક્ષણ સમિતિ-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ કોર્પોરેશનમાં શાસનાધિકારીની રહેશે.