કાનપુર, તા. 20 માર્ચ 2022, રવિવાર : ઉત્તર પ્રદેશ પોલીસના ઔરૈયા વિભાગ તરફથી કરવામાં આવેલી એક ટ્વિટ હાલ ખૂબ વાયરલ થઈ રહી છે.આ ટ્વિટમાં એસપી અભિષેક વર્માએ ખૂબ જ ક્રિએટીવ અંદાજમાં 3 યુવાનોનો ગુનો બતાવ્યો છે અને તેમની સજા પણ વર્ણવી છે.
ઘટનાની વિગતો પ્રમાણે ગત 15 માર્ચના રોજ ઔરૈયાના થાણા અજીતમલ ક્ષેત્રમાં 3 યુવાનો એક વિચિત્ર મોટરબાઈક પર સવાર થઈને કાનપુર દેહાત તરફ આવી રહ્યા હતા.પોલીસે તેમને અટકાવીને જોયું તો બાઈકમાં સાઈલેન્સરના બદલે ટ્રેક્ટરનું સાઈલેન્સર લાગેલું હતું.આ ઉપરાંત ગાડીની પાછલી નંબર પ્લેટ પર લખ્યું હતું કે,’બોલ દેના પાલ સાહેબ આયે થે’.પોલીસે આ નંબર પ્લેટ ટ્વિટ કરી ત્યાર બાદ તે ખૂબ વાયરલ થઈ હતી.
યુપી પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ કરી હતી જેમાં એક ગીતના શબ્દો વડે ટીખળ કરી હતી.સાથે જ લોકોને પણ અન્ય ગીત શેર કરવા જણાવ્યું હતું.
પુછપરછ દરમિયાન યુવકોએ આ નંબર પ્લેટ ભૂલમાં લખાવી દીધી તેવો જવાબ આપ્યો હતો.ત્યાર બાદ એક્શનમાં આવેલી પોલીસે તેમને કસ્ટડીમાં પૂર્યા હતા.જાણવા મળ્યા મુજબ આ ત્રણેય યુવકો સગીર છે અને પોલીસે તેમને શાંતિભંગની કલમો અંતર્ગત જેલમાં પૂર્યા છે.
જોકે પાલ સમાજે આ સમગ્ર મામલે એકજૂથતા દાખવીને પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી છે.પાલ સમાજના સ્થાનિક નેતાના કહેવા પ્રમાણે તેઓ આ મામલે યુવકોને તન,મન,ધનથી મદદ કરશે.પાલ સમાજ દ્વારા યુવકોને જેલમાં મોકલનારા પોલીસકર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે. તેમના કહેવા પ્રમાણે પોલીસ ઈચ્છેત તો તેમને માફી આપી શકેત.તેઓ ગાડીનો દંડ કરી શકે, ગાડી સીઝ કરી શકે પરંતુ જેલમાં મોકલ્યા તે અનુચિત છે.