મુખ્તાર અબ્બાસ અને આરસીપી સિંહે કેન્દ્રીય કૅબિનેટમાંથી રાજીનામાં આપ્યા બાદ ચર્ચા કેન્દ્રીય પ્રધાનો મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહે રાજ્યસભાના સભ્ય તરીકેની તેમની મુદત પૂરી થાય એના એક દિવસ પહેલાં ગઈ કાલે તેમનાં રાજીનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોંપ્યાં હતાં,જેના પહેલાં ગઈ કાલે મોદીએ કૅબિનેટ મીટિંગમાં નકવી અને સિંહના કાર્યકાળ દરમ્યાન દેશના વિકાસમાં તેમના યોગદાન બદલ તેમની બન્નેની પ્રશંસા કરી હતી
તેમની બન્નેની રાજ્યસભાના સંસદસભ્ય તરીકેની મુદત આજે પૂરી થઈ રહી હોવાથી બન્ને પ્રધાનોએ તેમની બંધારણીય ફરજ નિભાવી તેમનાં રાજીનામાં સોંપ્યાં હતાં.કૅબિનેટ મીટિંગ પછી તરત જ નકવી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને બીજેપીના મુખ્યાલય ખાતે મળ્યા હતા.બીજેપી કદાચ ઑગસ્ટમાં યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં એના ઉમેદવાર તરીકે નકવીને પસંદ કરી શકે છે. વાસ્તવમાં તાજેતરમાં યોજાયેલી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ લઘુમતિઓનો વિશ્વાસ જીતવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.હવે એ જ કોશિશમાં નકવીને મહત્વના પદે બેસાડવામાં આવે એવી શક્યતા છે.