જગદલપુર : છત્તીસગઢના બીજાપુરના જંગલોમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા ૨૩ જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલીઓ વિરુદ્ધ જંગ વધુ તીવ્ર બનાવવાની વાત કહી છે.શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અમિત શાહે રાજ્યના સીએમ ભૂપેશ બધેલ, આઇબી, સીઆરપીએફ અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી.બેઠક બાદ અમિત શાહે કહ્યું કે,આ ઘટના બાદ નક્સલવાદ વિરુદ્ધ લડાઇને અમે વધુ તીવ્ર કરીશું અને અંત સુધી જઇશું.હું શહીદોના પરિવારોને કહેવા માગુ છુ કે,તમારો ભાઇ,પુત્ર કે પતિએ દેશ માટે જે બલિદાન આપ્યું છે,તેને ક્યારેય ભૂલ નહીં શકાય.
તેમણે કહ્યું કે, છેલ્લા પાંચથી છ વર્ષમાં છત્તીસગઢમાં નક્સલવાદનો સામનો કરવામાં અમને મદદ મળી છે.દેશ જવાનોના બલિદાન યાદ રાખશે. ભારત સરકાર અને છત્તીસગઢ સરકારે જંગલોની અંદર જવાની નીતિ વધારી છે અને તેનાથી છંછેડાઇને નક્સલીઓએ આ હુમલો કર્યો છે.બેઠક બાદ અમિત શાહે કહ્યું કે,છત્તીસગઢના સીએમ,સાંસદો અને આદિવાસી પ્રતિનિધિઓના મત પર કામ ચાલુ છે.તેમણે કહ્યું કે,અમે વિકાસ પર પણ ફોક્સ કરીશું અને નક્સલીઓ સાથે લડાઇને પણ છેલ્લે સુધી લઇ જવાનો નિર્ણય કર્યો છે.આ સંકટની પળમાં સમગ્ર દેશ તમારી સાથે ઊભો છે.અમે તેમના બલિદાનને વ્યર્થ જવા નહીં દઇએ.હું શહીદ જવાનોને ફરી એક વખત શ્રદ્ધાંજલિ આપવા માગુ છુ.
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં શનિવારે નક્સલીઓ સાથેની ભીષણ અથડામણમાં શહીદ થનારા સુરક્ષા કર્મીઓનો મૃત્યુઆંક વધીને 23 થયો છે.રવિવાર બપોર સુધીમાં જંગલ વિસ્તારમાંથી 23 શબ બહાર લવાયા હતા.ગામની નિકટ અને જંગલ વિસ્તારમાંથી શહીદ જવાનોના શબ મળ્યા હતા.આ અથડામણમાં ઘાયલ થનારા 30 જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

