અમદાવાદ,રવિવાર,8 મે,2022 : અમદાવાદના ૪૮ વોર્ડમાંથી ચૂંટાયેલા ૧૯૨ કોર્પોરેટરો હવે કોર્પોરેટ કલ્ચર તરફ અગ્રેસર થઈ રહ્યા છે.શહેરના વિવિધ વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા આ કોર્પોરેટરોને એક વર્ષમાં પગાર આપવા પાછળ ૧.૮૪ કરોડનો ખર્ચ કરાયો છે.એક વર્ષમાં કોર્પોરેટર કે તેમના આશ્રિત દ્વારા લેવામાં આવેલી સારવાર પેટે ૧૬ લાખની રકમ મેડીકલ રીએમ્બર્સમેન્ટ પેટે તંત્ર દ્વારા ચૂકવવામાં આવી છે.છ હોદ્દેદારોને મ્યુનિ.માં આવવા-જવા ઈનોવા અને તેર કમિટી ચેરમેનોને મારુતિ અર્ટીગો કાર ફાળવવામાં આવી છે.
વર્ષ-૨૦૨૧ના ફેબુ્આરીમાં મ્યુનિ.ની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાઈને આવેલા ભાજપના મોટાભાગના કોર્પોરેટરોની આ પહેલી ટર્મ છે.કોર્પોરેટર દીઠ દર મહિને ઓનેરેરીયમના નામે આઠ હજાર રુપિયા પગાર ચૂકવવામાં આવે છે.ઉપરાંત કોર્પોરેટર દીઠ સ્ટેશનરી એલાઉન્સ, ટેલિફોન એલાઉન્સ અને મિટીંગ એલાઉન્સ પણ ચૂકવવામાં આવે છે.ગત ટર્મમાં ચૂંટાયેલા ૧૯૨ કોર્પોરેટરોને કોર્પોરેટર દીઠ ૩૫ હજારની કીંમતનું લેપટોપ ફોર-જી ઈન્ટરનેટ કનેકશન સાથે આપવા પાછળ મ્યુનિ.દ્વારા ૧.૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.ઉપરાંત એ સમયે કોર્પોરેટર દીઠ વીસ હજાર સુધીની કીંમતના મોબાઈલ ફોન પણ મ્યુનિ.દ્વારા આપવામાં આવ્યા હતા.
નવી ટર્મ માટે મ્યુનિ.તરફથી કરવામાં આવેલા નિર્ણય મુજબ,કોર્પોરેટરોને ૭૫ હજારની કીંમતનું લેપટોપ અને ૧૫ હજારની કીંમતનું પ્રિન્ટર આપવામાં આવ્યા છે.જે કોર્પોરેટરો હાલમાં બે કે તેથી વધુ ટર્મથી જીતીને આવેલા છે એમને અગાઉ આપવામાં આવેલા કોમ્પ્યુટર કે લેપટોપનું શું થયું? એ અંગે તંત્રમાં કોઈની પાસે જવાબ નથી.નવી ટર્મ માટે કોર્પોરેટરોને બાર હજાર સુધીના મોબાઈલ ફોન ખરીદી તેનુ બીલ રજૂ કરવા તંત્ર દ્વારા કહેવાયુ હતું.હાલમાં જે કોર્પોરેટરો બે કે તેથી વધુ ટર્મથી મ્યુનિ.માં કોર્પોરેટર બની આવ્યા છે એમને અગાઉ આપવામાં આવેલા કોમ્પ્યુટર કે લેપટોપની શું સ્થિતિ છે એ અંગે તંત્રમાં કોઈની પાસે જવાબ નથી.
એક કોર્પોરેટર દીઠ વર્ષે અપાતુ ભથ્થુ
પગાર ૧,૩૭,૬૦૦
સ્ટેશનરી ૧૭,૨૦૦
ટેલિફોન એલાઉન્સ ૧૧,૪૬૭
મિટીંગ એલાઉન્સ ૬,૦૦૦
કુલ ૧,૭૨,૨૬૭
અમદાવાદ મ્યુનિ.દ્વારા વિવિધ વોર્ડમાં વિવિધ મંડળીઓ દ્વારા વિકાસના કામો કરાવાય છે.આ કામોમાં જે તે વોર્ડના સ્થાનિક કોર્પોરેટરોની પણ ભાગીદારી હોય છે.કોર્પોરેટરો એમની ઓળખ છતી ના થાય એ માટે એમના સ્વજનોના નામે કોર્પોરેટર કહે એ મંડળીને જ તેમના વોર્ડમાં કામ મળે એ માટે સંબંધિત અધિકારીઓ ઉપર દબાણ પણ લાવતા હોવાની મ્યુનિ.વર્તુળોમાં ચર્ચા સાંભળવા મળે છે.
મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટી ઉપરાંત વિવિધ તેર કમિટીઓમાં વિપક્ષના એક પણ કોર્પોરેટરને સ્થાન આપવામાં આવ્યુ નથી.તમામ કમિટીઓમાં ભાજપના જ કોર્પોરેટર હોવાથી સ્ટેન્ડિંગ કમિટીની મહિનામાં મળતી ચાર બેઠક અને વિવિધ કમિટીની દર મહિને મળતી બે બેઠકમાં હાજર રહેવા માટે ભાજપના કોર્પોરેટરને મિટીંગ દીઠ પાંચસો રુપિયાનું ભથ્થુ વધુ મળે છે.જયારે કોંગ્રેસ,એમ.આઈ.એમ.અને અપક્ષ કોર્પોરેટરને માત્ર દર મહિને મળતી બોર્ડ બેઠકમાં હાજર રહેવા માટે બેઠક દીઠ પાંચસો રુપિયા ભથ્થુ મળે છે.