ચાંદખેડા અને મોટેરામાં પ્રવેશવાના રસ્તા પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ
અમદાવાદ,તા.૨૨
અમેરિકી રાષ્ટપ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનો ૨૪ ફેબ્રુઆરીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ અને રોડ શો કરવાના છે. જેને લઇ ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારના લોકો અને વેપારીઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ચાંદખેડા અને મોટેરામાં પ્રવેશવાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેથી સવારથી જ ધમધમતા આખો ન્યુ સીજી રોડ બંધ જોવા મળશે. ન્યુ સીજી રોડ પર આશરે ૧૦ જેટલી બેક્ન, ૪ જેટલી સ્કૂલો, અનેક કોમ્પ્લેક્સમાં ટયુશન કલાસીસો આવેલા છે. જેને બંધ રાખવાની ફરજ પડશે. ન્યુ સીજી રોડ, મોટેરામાં રહેતા લોકોએ પણ જો શહેરમાં કે અન્ય કામથી બહાર જવું હશે તો સવારે ૮ વાગ્યા પહેલા જ નીકળી જવું પડશે.
મોદી અને ટ્રમ્પના રોડ શોને લઇ સાબરમતી પાવરહાઉસ થી ઝુંડાલ, ન્યુ સીજી રોડ, મોટેરા ગામના સ્તાઓ બંધ રહેશે જેથી સાબરમતી ટોલનાકા, વિસત ત્રણ રસ્તા, જનતાનગર, મોટેરા અને ચાંદખેડાના વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા ૨૪મી ફેબ્રુઆરીએ બંધ રાખવા પડશે જેના કારણે તેઓને એક દિવસનું નુકસાન ભોગવવાનો વારો આવશે. સવારથી સાંજ સુધીના રોજિંદા કામો અટવાઈ પડશે.
સોમવારે સીબીઈસઈની પરીક્ષા, ૫મી માર્ચથી બોર્ડની પરીક્ષા, સ્કૂલોનો ચાલુ દિવસ હોવા છતાં બાળકો ભણવા જય શકશે. તેની સાથે સાથે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને તેની પાસે આવેલી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ પણ બંધ રાખવાની ફરજ પડશે. સવારે ૮ વાગ્યાથી જ રસ્તા બંધ હોવાથી કોઈપણ સ્કૂલવાન અને બસ મોટેરા ગામ, ન્યુ સીજી રોડ કે સાબરમતી હાઇવે પર અવરજવર નહીં કરી શકે માટે તેઓએ બાળકોને લેવા આવવાની ના પાડી દીધી છે જેથી બાળકોને એક દિવસ સ્કૂલે નહીં જઈ શકે. ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના તૈયારીઓના અંતિમ દિવસોમાં ટયુશન ક્લાસીસમાં ૨થી ૪ કલાક ભણાવવામાં આવતું હોયુ છે પરંતુ વિદ્યાર્થીઓએ ઘરે જ રહેવું પડશે.
વિસત ત્રણ રસ્તા પાસે કેન્દ્ર સરકારની ઓએનજીસી કંપનીની ઓફિસ અવની ભવન આવેલી છે. જેમાં હજારો કર્મચારીઓ કામ કરે છે, પરંતુ ૨૪મીએ રસ્તા બંધ હોવાથી આ કર્મચારીઓને સવારના ૮ વાગ્યા પહેલા વાહન સાથે અને ૮ વાગ્યાથી જ વાહન વિના નોકરીએ જવાની ફરજ પડશે. માત્ર એટલું જ નહીં, નોકરીએથી સાંજે ૪ વાગ્યા પછી જ ઘરે જઈ શકશે.
જનપથ ત્રણ રસ્તાથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડન્સી ત્રણ રસ્તા થઈ મોટેરા ત્રણ રસ્તા સુધીનો માર્ગ, ન્યૂ સી.જી.રોડ સર્કલથી સંગાથ મોલથી મોટેરા સ્ટેડિયમ તરફનો માર્ગ, કોટેશ્વર ત્રણ રસ્તાથી સોમનાથ ફાર્મ થઈ કૃપા રેસિડન્સી સુધીનો માર્ગ, દેવર્ષ ફ્લેટ ત્રણ રસ્તાથી શરણ સ્ટેશન થઈ આસારામ આશ્રમ ચાર રસ્તાથી ક્લબ હાઉસ સુધીનો માર્ગ અને એસ.પી.રિંગ રોડ ઉપરના એપોલો સર્કલથી ભાટ કોટેશ્વર ચાર રસ્તા સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે. જેના વિકલ્પરૂપે એપોલો સર્કલ થઈ તપોવન સર્કલથી વિસત ત્રણ રસ્તાથી ઓએનજીસી ચાર રસ્તાથી જનપથ ત્રણ રસ્તા સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે. મોટેરા ત્રણ રસ્તાથી થઈ રિંગ રોડ ઉપર તરફ અવર-જવર કરી શકાશે.
નોબલ ત્રણ રસ્તાથી ઈન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ અને શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ પણ પ્રતિબંધિત જાહેર કર્યો છે. આ માર્ગે જનારા લોકોએ નોબલ નગર ત્રણ રસ્તાથી નાના ચિલોડા રિંગ રોડ તરફ તથા ગેલેક્સ અન્ડર બ્રિજ તરફ અને નરોડા પાટીયા તરફ અવર જવર કરી શકાશે. તેમજ શાહીબાગ ડફનાળાથી ઘેવર સર્કલ તરફ તથા શાહીબાગ અન્ડરબ્રિજ તરફ અવર જવર કરી શકાશે.
નમસ્તે ટ્રમ્પ : આવતી કાલે ચાંદખેડા-મોટેરામાં જનતા કરફ્યું… શાળા, બેંકો અને દુકાનો બંધ
Leave a Comment