ગોધરા,તા.૨૫
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની સુરક્ષા માટે રાજ્યભરની પોલીસને અમદાવાદ બંદોબસ્ત મૂકવામાં આવી હતી. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સહી સલામત રીતે પૂર્ણ થયા બાદ અન્ય જિલ્લાઓની પોલીસ પરત ફરી રહી હતી. ત્યારે ગોધરા એસઆરપી ગ્રૂપ ૫ની બસ પરત ફરી રહી હતી ત્યારે તેમની બસને અકસ્માત એકાએક પલટી ગઈ હતી. જેને કારણે ૧૧ જવાનોને ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગોધરા એસઆરપી ગ્રુપ ૫નાં જવાનોને અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ પોતાની ફરજ પૂર્ણ કરી આ ગ્રૂપ પરત ગોધરા આવી રહ્યું હતું. પણ પરત ફરતી વખતે ગોધરાના ટીમ્બા ગામ પાસે પોલીસ વાનમાં કોઈ કારણે યાંત્રિક ખામી સર્જાઈ હતી. અને તેને કારણે પોલીસ વાન અચાનક પલટી ગઈ હતી. વાન પલટતા વાનમાં સવાર ૧૧ પોલીસ જવાનોને ઇજાઓ પહોંચી હતી.
પોલીસ વાન પલટી જતાં તાત્કાલિક સ્થાનિક લોકો ભેગાં થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલાં ૧૧ જવાનોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ૧૧માંથી બે જવાનોને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરામાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રમ્પનાં કાર્યક્રમમાં ૧૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવા માટે સરકાર પાસે પૈસા છે. પણ સુરક્ષામાં ખડેપગે તહેનાત રહેનાર પોલીસજવાનો માટે એ જ ખખડધજ બસો જ હાથમાં આવે છે.
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પતાવી ગોધરા પરત જતી પોલીસની બસ પલટી : ૧૧ ઘાયલ, ૨ ગંભીર

Leave a Comment