અમદાવાદ,તા.૨૧
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. આ પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની તમામ વ્યવસ્થા પર અમેરિકન સિક્રેટ સર્વિસ નજર રાખી રહી છે. ટ્રમ્પ જે સ્થળેથી નીકળવાના છે ત્યાંની નાની નાની ગલીઓ, ફુલ કુંડાથી લઇને અવવારૂ સ્પોટ શોધીને સિક્રેટ સર્વિસે એક યોજના તૈયાર રાખી છે. ૨૪મીએ બપોરના ૧૨ વાગ્યાની આસપાસ ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી ગાંધીઆશ્રમ તરફ અને ત્યાંથી એરપોર્ટ થઈ ઈન્દિરાબ્રિજ થઈ મોટેરા સ્ટેડિયમ પહોંચવાના છે. તેમના આ રૂટમાં સાબરમતી નદીનો ખુલ્લો ભાગ આવે છે તેની સાથે એરપોર્ટથી લઇ અનેક જગ્યાએ સિક્યુરિટીની સંભાવના સંદર્ભે પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જેમાં જમીન પર ગુજરાત પોલીસ, પાણીમાં ટ્રેઈન્ડ ફોર્સ(સબારમતી નદી) એસપીજી, સિક્રેટ સર્વિસ અને આકાશમાં ચાર અમેરિકન ચોપર વોચ રાખશે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના આકાશમાં પ્રથમ વખત અમેરિકન એરફોર્સના ચોપર ઉડવાના છે. જેથી આ પ્રક્રિયા રિહર્સલમાં પણ સામેલ કરવામા આવશે. ૨૪મી ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પના રોડ શો દરમિયાન શહેરમાં નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવશે. જેથી મોટા ભાગની ફ્લાઇટ ડાઈવર્ટ થાય તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે. આ દરમિયાન ત્રણ લેયરમાં સિક્યુરિટી જોવા મળશે. જેમાં સ્ટેડિયમ અને રોડ શો દરમિયાન પ્રથમ લેયરમાં ગુજરાત પોલીસના અધિકારીઓ અને પોલીસ ફોર્સ હશે, જ્યારે બીજા લેયરમાં એસપીજીના સિલેક્ટેડ અધિકારીઓ હાજર હશે અને ત્યાર બાદ સિક્રેટ સર્વિસ એજન્ટ્સ પણ સ્ટેડિયમમાં હાજર હશે.
ટ્રમ્પ દંપતી એકલા ભારતના પ્રવાસે નહિ આવે. સાથે તેમની પુત્રી અને જમાઇ પણ હાજર રહેશે. આગામી ૨૪-૨૫ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ ગુજરાત આવશે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાક્ના ટ્રમ્પ અને તેમના પતિ પણ હાજર રહેશે. આખો ટ્રમ્પ પરિવાર અમદાવાદ અને આગરાની મુલાકાત લેશે. આમ, અમેરિકાનો પહેલો પરિવાર નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં હાજર રહેશે.
નમસ્તે ટ્રમ્પ : ગુજરાતના આકાશમાં પહેલીવાર ચાર અમેરિકન ચોપર ઉડશે
Leave a Comment