અમદાવાદ : વર્લ્ડ ક્લાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ટાટા આઇપીએલ મેચ નિહાળવા ઉત્સુક નાગરિકો માટે AMTSની ૧૧૬ બસ અને BRTSની ૫૬ બસ સ્પેશિયલ દોડાવવામાં આવશે.સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટે જણાવ્યું હતું કે,આગામી ૨૭મી અને ૨૯મી એમ બે દિવસ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટાટા આઇપીએલની મેચ રમાશે,જેના માટે શહેરીજનોમાં ખાસ કરીને યુવાવર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હજારો યુવાનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આતુર છે અને ત્યાં જશે પણ ખરા.આ બે દિવસ મોટેરા તરફનાં રસ્તા ઉપર ટ્રાફિકજામ ન થઇ જાય તે માટે મ્યુનિ.એ AMTS અને BRTSની ખાસ બસો જુદા જુદા વિસ્તારોમાંથી મોટેરા સુધી દોડાવવાનું આયોજન કર્યું છે.તેમણે કહ્યું કે,૨૭મી તારીખે ટાટા આઇપીએલ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ આવવા જવા માટે બપોરનાં ૩ વાગ્યાથી પાંચ રૂટ ઉપર BRTSની ૫૬ બસ અને ૨૯ તારીખે ૭૧ બસ દોડાવવામાં આવશે.જયારે AMTS દ્વારા બન્ને દિવસ ૧૯ રૂટ ઉપર ૧૧૬ બસ દોડાવશે.એટલું જ નહીં,શહેરીજનોની સુવિધા માટે સ્ટેડિયમની આજુબાજુ કર્મચારીઓ અને અધિકારીઓ સાથેનાં પોઇન્ટ ગોઠવવામાં આવશે.