અમદાવાદ : નરોડા વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પત્નીએ પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધ છે તેમ કહી ઝઘડો કર્યો હતો.ત્યારબાદ પતિને રિમોટ અને રિમોટ મૂકવાનું સ્ટેન્ડ છૂટ્ટુ માર્યું હતું.તેથી તેને માથામાં ઇજા થઇ હતું. બીજી તરફ પત્ની ફરી મારશે તેવી દહેશતથી પતિ ફ્લેટના પાર્કિંગમાં છૂપાઇ ગયો હતો.પત્ની ત્યાં પણ પહોંચી ગઇ હતી.પતિને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ થયો હતો.જ્યાં પતિએ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે.
નરોડા પાટિયા નજીક 38 વર્ષીય મહેશ(ઓળખ છુપાવવા નામ બદલ્યું છે)તેની 39 વર્ષીય પત્ની મોના અને બે બાળકો સાથે રહે છે.સાથે નાના ચિલોડામાં એક મસાલા કંપની ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેની પત્ની તેનાથી એક વર્ષ મોટી છે અને પત્નીએ તેના પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધો છે તેવું કહીને અવારનવાર બોલાચાલી કરી ઝઘડો કરતી હતી.ગઈ સવારે યુવક ઘરે હાજર હતો તે દરમિયાન તેની પત્ની તમારે એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે તેમ કહી ઝઘડો કરવા લાગી હતી.
મહેશે ઝઘડો કરવાની ના પાડતા પત્ની ગાળો બોલવા લાગી હતી અને ટીવીનું રિમોટ લઈ પતિને માથાના ભાગે મારી દીધું હતું.બાદમાં રિમોટ મૂકવાનું ફાઇબરનું સ્ટેન્ડ ફરી માથામાં મારી દેતા પતિને ઇજા પહોંચી અને ચક્કર આવી ગયા હતા.પત્નીથી ગભરાઈ ગયેલા પતિએ પોલીસને ફોન કરતા પોલીસ આવે તે પહેલાં પત્નીએ તને જાનથી મારી નાખીશ તેમ કહી ઘરમાંથી ચપ્પુ લઈ આવી પતિને મારવા માટે દોડી હતી.યુવક તેના ઘરની બહાર નીકળી સોસાયટીના પાર્કિંગમાં આવીને બેસી ગયો હતો.બાદમાં મહેશને ઇજાઓ થઈ હોવાથી 108ને ફોન કરતાં 108 તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.જ્યાં પોલીસે મહેશની તેની પત્ની સામે ફરિયાદ લઈ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.


