અમદાવાદ : શુક્રવાર : પૂર્વમાં ટ્રાફિકથી ધમધમતા ગીચ વિસ્તારમાં બેફામ વાહન હંકારાતા હિટ એન્ડ રન તથા અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,નરોડામાં હિટ એન્ડ રનની ઘટનામાં ઘર પાસે ટોપલી બનાવતા વૃધ્ધને કાર ચાલકે ટક્કર મારી હતી એટલું જ નહી કાર નીચે ૧૫ ફુટ ઢસડાતા વૃધ્ધનું સ્થળ ઉપર જ મોત થયું હતું તેમજ અન્ય યુવકને અડફેટે લેતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.ગઢવી વાસમાં ઘર પાસે ટોપલી બનાવતા વૃધ્ધનું સ્થળ ઉપર મોત અને યુવકને ટક્કર મારતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ
આ બનાવની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં ગઢવી વાસમાં રહેતા અને ટોપલીઓ બનાવીને પરિવારનું ગુજરાન ચલાવતા શંકરભાઇ ઓખાભાઇ વાંસફોડા(ઉ.વ.૮૦) ગઇકાલે સવારે ૯ વાગે પોતાના ઘર પાસે બેસીને ટોપલી બનાવી રહ્યા હતા આ સમયે રોહીતવાસમાં એક શખ્સ પૂર ઝડપે કાર હંકારીને આવી રહ્યો હતો તેને વૃધ્ધને ટક્કર મારી હતી એટલું જ નહી તેઓ કાર નીચે ઢસડાતાં માથા સહિત શરીરે ઇજાઓ થતા સ્થળ ઉપર જ મોત થયું હતું તેમજ વણકર વાસમાં રહેતા સંજયભાઇ મગનભાઇ ડાભી પણ કારની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોેંધીને આસપાસમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને નાસી ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ નિકોલમાં દાસ્તાન સર્કલ પાસે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી.જેમાં પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી.જેથી બાઇક ચાલક યુવક કારના ટાયર નીચે આવી જતા ૨૦ મીટર સુધી ઢસડાયો હોવાથી લોહી લુહાણ હાલતમાં સ્થળ ઉપર મોત થયું હતું.ઉપરાંત નરોલ પિરાણા કચરાના ઢગલા ચાર રસ્તા પાસે કારની ટક્કરથી રિક્ષા પલટી ગઇ હતી,જેથી મહિલા પેસેન્જરનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય યુવક પણ ઘાયલ થયો હતો.


