રાજપીપળા : કેવડીયા નજીક ગોરા પાસે નર્મદા નદીના પટમાં આવેલા ઐતિહાસીક શૂરપાણેશ્વર મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યુ હોવાનું બહાર આવ્યુ છે. મંદીરના ગર્ભમાંથી વર્ષો પુરાણા અમૂલ્ય ચાંદીનું નાગ,ચાંદીનું શિવલિંગનું છત્ર,ચાંદીની જલધારી અને માતાજીનું ચાંદીનો મુગટ મોડી રાત્રે ચોરાયાની ઘટના થી ચકચાર મચી જવા પામી છે.
આ અંગે મંદિરના પૂજારી રવિશંકર મહારાજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગઇ કાલે મોડી રાત્રે મંદિરમાં ચોરી થઈ છે.મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને તસ્કરો મંદિરના ગર્ભગૃહમાં ઘુસ્યા છે.રાત્રે અહીં જી.આર.ડી હોમગાર્ડ ફરજ પર હોવા છતાં ચોરી થઈ છે.મંદિરમાં સીસીટીવી કેમેરા હોવા છતાં તસ્કરોએ સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાખ્યાં છે. જેથી ચોરીનો ફૂટેજ મળી શક્યું નથી આ બાબતની પોલીસ ને જાણ કરી પોલીસે તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાતટનું અતિ પ્રાચીન મંદિર છે.જ્યાં દર વર્ષે આ માટે ત્રણ રાજ્યના લાખો લોકોનો ભવ્ય મેળો ભરાય છે.અહીં નર્મદા સ્નાનનું વિશેષ મહત્વ છે.આ મંદિરમાં પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ,વિવિધ રાજ્યોના રાજ્યપાલ અમાસે દર્શન કરવા આવી ચૂક્યા છે.રાજ્યના શિક્ષણ મંત્રી અમાસ ભરવા આજે પણ અચૂક દર્શન પૂજા કરવા આવે છે.અનેક અધિકારીઓ,ધારાસભ્ય,સંસદ સભ્યો,નેતાઓ આ મંદિરની મુલાકાત દર્શન કરી ચુક્યા છે.એવા અતિ પ્રાચીન મંદિરમાં ભગવાનને લૂંટવાની ઘટનાથી ભક્તોની પણ ધાર્મિક લાગણી દુભાઈ છે.


