• હોબાળાના પગલે થોડા સમય માટે ગરબા બંધ કરવાની પણ પડી હતી ફરજ
• આ મામલે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
નવરાત્રી મહોત્સવનો આજે છેલ્લો દિવસ છે અને તે પહેલાં આઠમુ નોરતું એટલે કે આઠમે ખેલૈયાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો હતો.જોકે સુરતના એક ગરબા આયોજનમાં ખેલૈયાઓના આ ઉત્સાહમાં ભંગ પડ્યો હતો,પાર્ટી પ્લોટમાં આયોજિત નવરાત્રીમાં વિધર્મી બાઉન્સરોને લઈ ભારે હોબાળો મચ્યો હતો એટલું જ નહીં પરંતુ વિરોધીઓ દ્વારા તોડફોડ પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું,ચાલુ નવરાત્રી દરમિયાન થયેલી આ બબાલમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું હતું. ઘટનાને ગંભીરતાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
સુરતમાં ઠેર ઠેર આ વખતે ગરબાના મોટા આયોજનો કરવામાં આવ્યા છે.અને આ આયોજનોમાં બહારથી બાઉન્સરો બોલાવવામાં આવતા હોય છે,ત્યારે અગાઉ સુરતમાં એક આયોજનમાં વિધાર્મી દ્વારા પોતાનું નામ બદલી બાઉન્સર તરીકે કાર્યક્રમમાં હાજર રહ્યો હોવાનું સામે આવ્યું હતું.જેને લઇ બજરંગ દળ દ્વારા તેનો વિરોધ કરી બાઉન્સરોને હટાવ્યા હતા.ત્યારે ફરી વખત આઠમના દિવસે વિધર્મી બાઉન્સરોને લઈ બજરંગ દળ દ્વારા ભારે વિરોધ જોવા મળ્યો હતો.
સુરતના વેસુસ સ્થિત ઠાકોરજીની વાડીમાં આયોજિત સુવર્ણ નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હતા તે દરમિયાન અચાનક હોબાળો મચ્યો હતો,આ આયોજનમાં વિધર્મી બાઉન્સરો હોવાની માહિતી મળતાં બજરંગ દળ ના કાર્યકરોએ હોબાળો કર્યો હતો.એટલું જ નહીં પરંતુ ભારે હોબાળાને કારણે ગરબા સ્થળ પર દોડધામ મચી જવા પામી હતી અને મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.આ વિરોધ દરમિયાન કેટલીક વસ્તુઓની તોડફોડ પણ કરાઈ હતી.અને બાઉન્સરોની આયોજનમાંથી ભગાવવામાં આવ્યા હતા.
હોબાળાની વાત વાયુવેગે આખા વિસ્તારમાં પ્રસરી જતા સ્થાનિક પોલીસે ગરબા સ્થળે દોડવાની ફરજ પડી હતી.પોલીસના જણાવ્યા મુજબ વિધર્મી બાઉન્ડસરોને લઈને આ હોબાળો મચ્યો હતો જેમાં લોકો સામસામે આવી જતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટના સ્થળે પહોંચેલી પોલીસે માંડ મામલાને થાળી પાડો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.જોકે ચાલુ ગરબા દરમિયાન થયેલી આ બબાલને કારણે થોડા સમય માટે ગરબા બંધ કરવાની પણ ફરજ પડી હતી અને ગરબા સ્થળ પર હાજર ખેલૈયાઓમાં પણ ડર જોવા મળ્યો હતો.જ્યાં બીજી તરફ આયોજકોએ આ સમગ્ર મામલા પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.જેથી આ મામલે હજી સુધી સત્તાવાર રીતે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.