– શહેરીજનોમાં ફેલાયેલા આક્રોશને કારણે હવે ભાજપ બચાવની સ્થિતિમાં આવી ગયું
– ભાજપ મંદિર ફરીથી બનાવવા અને મહિલાઓ સાથે થયેલા દુર્વ્યવહાર બાબતે હવે દુઃખ અનુભવી રહ્યું છે
નવસારી : નવસારીના જમાલપુર વિસ્તારમાં આવેલા સર્વોદયનગર સોસાયટીમાં બનાવેલા રાધાકૃષ્ણ મંદિરના ડિમોલિશન બાબતે શહેરીજનોમાં ફેલાયેલા આક્રોશને કારણે હવે ભાજપ બચાવની સ્થિતિમાં આવી ગયું છે.અત્યાર સુધી પક્ષ અને મંદિરને એકબીજા સાથે કોઈ જ સંબંધ ન હોવાનું ગાઇ વગાડીને કહેનાર ભાજપ મંદિર ફરીથી બનાવવા અને મહિલાઓ સાથે થયેલા દુર્વ્યવહાર બાબતે હવે દુઃખ અનુભવી રહ્યું છે.
ભાજપના કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય પીયૂષ દેસાઈ અને જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે બોલાવેલ પ્રેસ કોન્ફરન્સમાંકહ્યું હતું કે ભાજપ અને હિન્દુત્વ એ બાબત નથી.મંદિર બચાવવાના પ્રયાસ વખતે થયેલ અમાનવીય વર્તન સામે દુઃખની લાગણી અનુભવીએ છે તેમણે ઉમેર્યું હતું કે મંદિર તોડી પડાયા બાદ ઘટના સ્થળ ઉપર જઈ કેટલાક રાજકીય પક્ષો રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે.ભાજપ કોર કમિટીમાં મંદિર તોડવાની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાજપ મંદિરને સોસાયટી અને જમીન માલિકનો મુદ્દો હોવાનું જણાવતું હતું પરંતુ ગતરોજ સોસાયટીના રહીશોએ સર્કિટ હાઉસથી મંદિરની જમીન સુધીની કેન્ડલ માર્ચ કાઢી હતી.આ માર્ચમાં કોંગ્રેસના વાંસદા તાલુકાના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા.મંદિરના મુદ્દાએ અચાનક જ સ્થાનિક રાજકારણમાં ગરમાટો લાવી દેતા હવે ભાજપ બેકફૂટ ઉપર આવી ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ હોય એવું જણાઈ રહ્યું છે.
મંદિર તોડી પાડવાની ઘટનાના વિરોધમાં સર્વોદયનગર સહિત આસપાસના વિસ્તારોના 1100 જેટલા ભાજપી કાર્યકરોએ કમલમ ખાતે જઈ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહને પોતાના રાજીનામાં આપ્યા હતા.આ રાજીનામાંને આજરોજ ભુરાલાલ શાહે રદિયો આપી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે એ માત્ર કાર્યકરોના નામની યાદી છે.જિલ્લા કારોબારી સભ્ય અને સર્વોદયનગરના રહેવાસી જનક પટેલને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે 1100 જણાએ રાજીનામાં જ આપ્યા છે.યાદી અને રાજીનામાં વચ્ચેનો ફરક અમને ખબર છે.અમારા સંકટ સમયમાં જે પક્ષ અમારી સાથે ઉભો રહ્યો નથી તેની સાથે અમારે રહેવું નથી.