– નવસારી એસીબીએ ધરમપુર કોર્ટમાં 9 મુદ્દાની તપાસ માટે રિમાન્ડ અરજી રજૂ કરી હતી
વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ (GSLDC)ના નિવૃત્ત ફિલ્ડ સુપરવાઇઝર વિરૂધ્ધ એસીબીમાં રૂ.3.41 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતના કેસમાં તપાસ અધિકારી નવસારી એસીબીએ શુક્રવારે ઝાલોદથી આરોપીની ધરપકડ કરી શનિવારે ધરમપુર કોર્ટના ઇન્ચાર્જ સ્પે.જજ સમક્ષ રિમાન્ડ મેળવવા રજૂ કર્યો હતો.એસીબીની રિમાન્ડ અરજીની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી ઇન્ચ. સ્પે.જજ ડી.કે.સોનીએ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.
આ કેસમાં ધરમપુરના નિવૃત્ત ફિલ્ડ ઓફિસર સુરેશ રમણભાઇ કિશોરી વિરૂધ્ધ પણ ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો.આ નિવૃત્ત કર્મચારી પાસે અઢળક સંપત્તિની તપાસ માગતી એસીબીને અરજી મળતાં આક્ષેપિત સુરેશ કિશોરી,રહે.ઝાલોદ,સર્વોદય સોસાયટી,જિ.દાહોદ સામે કાર્યવાહી શરૂ કરાઇ હતી.જે મામલે સુરત ગ્રામ્ય એસીપી પીઆઇ આર.કે.સોલંકીએ તપાસ કરાતાં ધરમપુર કચેરીના નિવૃત્ત ફિલ્ડ ઓફિસર પાસે તેની આવક કરતાં વઘુ રૂ.3.41 કરોડની વધુ મિલકત મળી આવી હતી.
334.88 ટકા વધુ મિલકત મામલે વલસાડ એસીબીમાં ફરિયાદ નોંધાયા બાદ શુક્રવારે ઝાલોદથી ધરપકડ કરી શનિવારે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી ઇન્ચ. જજ ડી.કે.સોનીએ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.
સમગ્ર રાજ્યમાં ખેતતલાવડીમાં ભ્રષ્ટાચારથી ચકચાર મચી હતી
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના લાંચિયા અધિકારીઓ,કોન્ટ્રાક્ટરો,ફિલ્ડ ઓફિસર સાથેની સાંઠગાંઠમાં ખેત તલાવડી અને પાણીના ટાંકાની સરકારી યોજનામાં બેફામ ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાંની ઉચાપત કરવાનો ભાંડો 2017-18માં ફુટતાં ભારે ચકચાર મચી ગઇ હતી.ખેત તલાવડીઓ બનાવવા માટે નાના ખેડૂતોને લાભ આપવા યોજના તૈયાર કરી હતી.સમગ્ર રાજ્યમાં આવેલી આ કચેરી દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર એસીબીએ ઝડપી પાડ્યો હતો.જેમાં વલસાડની ધરમપુર સ્થિત નિગમની કચેરીમાં પણ વ્યાપક ગોબાચારી બહાર આવી હતી.
નવસારી એસીબીએ મહત્વના આ મુદ્દા રજૂ કર્યા
– પરિવારના સભ્યોના બેંક ખાતામાંથી મોટી રકમનો ઉપાડ
– બેનામી મિલકતો ખરીદી કે કેમ તે માટે પૂછપરછ કરવાની છે
– આરોપી સત્ય છુપાવે છે,FSL દ્વારા વોઇસ એનાલિસિસ પરિક્ષણ માટે કસ્ટડી જરૂરી
– આરોપીની પૂત્રી વિદેશમાં એમબીબીએસ કરે છે,મની લોન્ડરિંગ,વિદેશ રોકાણની શક્યતા
– 2 પૂત્રના ખાતાઓમાં ગ્રાન્ટની રોકડ રકમ ટ્રાન્સફર કરી ક્યાં ખર્ચ કર્યો તેની તપાસ
– આરોપીએ ખરીદેલી મિલકત અને વાહન ખરીદીની તપાસ
– બે પૂત્રોના લગ્નના ખર્ચ બાબતની તપાસ