મુંબઇ : નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)એ પોતાની હદમાંનાં જોખમી બિલ્ડિંગોની એક યાદી જારી કરી છે ૨૦૨૧-૨૨માં વોર્ડવાર એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.તેને આધારે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એકટની ૨૬૫મી કલમ હેઠળ કુલ ૪૭૫ ઇમારતોને જોખમી જાહેર કરવામાં આવી છે.પાલિકાએ ગયા વર્ષે પણ આચલી જ સંખ્યામાંની ઇમારતોને જોખમપૂર્ણ જાહેર કરી હતી તે ધ્યાનમાં લઇએ તો નવેસરના સર્વેક્ષણમાં બિનસલામત જાહેર થયેલી ઇમારતોની સંખ્યામાં કોઇ ફેરફાર થયો નથી.ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસા પહેલાં પાલિકા અસુરક્ષિત ઇમારતોની યાદી જાહેર કરી આપી ઇમારતો તૂટી પડવાનું જોખમ હોવાને કારણે તે ખાલી કરી જવાનો અનુરોધ નાગરિકોને કરે છે.જો કે, આ વર્ષે પાલિકાએ તાત્કાલિક તોડી પાડવાં પડે તેવા સી-વન શ્રેણીનાં બિલ્ડીંગોની ચોક્કસ સંખ્યા જારી કરી નથી. ગયા વર્ષે ૪૭૫ બિલ્ડિંગો જોખમી જાહેર કરાયાં હતા.જે પૈકીના ૬૫ અત્યંત જોખમી તથા રહેવા માટે અયોગ્ય એવી સી-વન શ્રેણીનાં હતાં.જોખમી જાહેર કરાયેલી ઇમારતને એવું જણાવતી નોટિસ મોકલવામાં આવે છે કે આ નોટિસ દ્વારા જોખમી ઇમારતના માલિક કે તાબેદારોને ઇમારતનો રહેવા કે કમર્શિયલ કામકાજ માટેનો ઉપયોગ બંધ કરવાની જાણ કરવામાં આવે છે.વળી, સી-વન શ્રેણીનાં બિલ્ડીંગોના વીજળી તથા પાણીનાં જોડાણો પણ કાપી નાખવામાં આવશે એવી સ્પષ્ટ જાણ પણ નોટિસમાં કરાયેલી હોય છે.

