– વિપક્ષને ગુજરાતની જનતાએ જવાબ આપી દીધો છેઃ હર્ષ સંઘવી
– આજે ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ
અમદાવાદ,10 ડિસેમ્બર 2022, શનિવાર : આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી.જેમાં આ વખતે જીતેલા ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી.ત્યારે ભાજપમાંથી આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તેમજ કોને મંત્રી પદ મળી શકે તે હજી સસ્પેન્સ છે.પરંતુ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મીડિયાએ મંત્રીપદને લઈને સવાલ કર્યો ત્યારે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું એક સૈનિક તરીકે આગળ વધી રહ્યો છું.હવે ધારાસભ્ય બન્યા બાદ પાર્ટી જે જવાબદારી આપશે તેને નિભાવીશ.બીજી બાજુ અલ્પેષ ઠાકોરે પણ મીડિયાને કહ્યું હતું કે, ધારાસભ્યોની બેઠકમાં જે પણ નિર્ણય લેવાશે તે માન્ય હશે.
વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ જ વિકાસના કામો થશે
કમલમ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે પક્ષના નેતા તરીકે મારી પસંદગી કરવામાં આવી છે.આ માટે હું તમામ ધારાસભ્યો અને પક્ષના નેતાઓનો આભાર માનું છું.આ વખતે વડાપ્રધાન મોદી અને ભાજપના ભરોસા પર મતદારોએ મહોર મારી છે.હવે સંગઠન અને વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ જ વિકાસના કામો થશે.સરકાર યુનિફોર્મ સિવિલ કોર્ડ લાવવા મક્કમ છે અને લોકોની દરેક મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરશે.પ્રેસ કોન્ફરન્સ બાદ તેઓ સરકાર રચવાનો દાવો કરવા રાજભવન જવા રવાના થયા હતાં.
વિપક્ષને જનતાએ જવાબ આપી દીધો છેઃ હર્ષ સંઘવી
મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વિપક્ષે ગુજરાત અને સ્થાનિક લોકોને ચૂંટણી જીતવા માટે બદનામ કરવાની કોઈ કસર છોડી નથી.પરંતુ જનતાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે.આ સત્તા ચૂંટણીની નહીં પરંતુ સંબંધ અને વિશ્વાસની હતી.જેમાં ફરીવાર ભાજપને જીત મળી છે.જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે અને જનતાની અપેક્ષા પુરી થશે.


