મુંબઈ તા.1 : કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે 2020-21ના આકારણી વર્ષ માટે નવુ ઈન્કમટેકસ રીટર્ન નોટીફાઈ કર્યુ છે.કોરાના મહામારીને કારણે નાણાંપ્રધાને કેટલીક વહીવટી રાહતો આપી હતી તે નવા રીટર્ન ફોર્મમાં સામેલ કરી દેવામાં આવી છે.કલમ 80 સી હેઠળ એલઆઈસી,પીપીએફ,નેશનલ સેવિંગ સર્ટીફીકેટ વગેરેમાં રોકાણ બાદ મેળવવા ઉપરાંત 80ડીમાં મેડીકલેઈમનું ડીડકશન મેળવવા, 80 જી હેઠળ કાનુની રકમ બાદ મેળવવા માટેની અવધિ 30 જૂન સુધીની છે.
આવકવેરા રીટર્ન ફોર્મમાં1 એપ્રિલથી 30 જૂન સુધીના રોકાણ દર્શાવવા માટે એક કોલમ ઉમેરવામાં આવી છે અને તેનો લાભ 2019-20ના નાણાં વર્ષના રીટર્નમાં મેળવી શકાશે. આ સાથે કરદાતાઓમાં પ્રવર્તતી અવઢવ-આશંકાનો અંત આવી ગયો છે.2019ના બજેટમાં મોટો ખર્ચ કરનાર વ્યક્તિની આવક નિયત કરતા ઓછી હોય તો પણ રીટર્ન ભરવાનું ફરજીયાત કરાયુ હતું.વિદેશ પ્રવાસમાં બે લાખનો ખર્ચ બેંકના ચાલુ ખાતામાં એક કરોડની રકમ જમા કરાવવા કે 1 લાખથી વધુના વીજબીલ ભર્યા હોય તો આવકવેરા રીટર્ન ભરવાનું ફરજીયાત હતું.આવકવેરા રીટર્ન ફોર્મમાં આ મુદાઓની ચોકકસ માહિતી માંગવામાં આવી છે.સંયુક્ત માલિકીની મિલ્કત ધરાવનારા તથા મોટો ખર્ચ કરનારા સહજ કે સુગમ ફોર્મ ભરી શકશે તેવી સીબીડીએ ચોખવટ કરી છે.
આવકવેરા રીટર્ન ફોર્મ નોટીફાઈ કરી દેવાયુ છે.હવે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થશે.રીટર્ન ભરવાની મુદત વધારી દેવામાં
આવી છે.કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે આઈટીઆર 1થી7 ઉપરાંત આઈટીઆરવી ફોર્મ પણ નોટીફાઈ કરી દીધુ છે.
જીએસટી કાઉન્સીલની આગામી બેઠક 14મી જૂને મળશે
કર સંગ્રહના મોરચા પર દબાણ વચ્ચે ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) કાઉન્સીલની મીટીંગ 14મી જૂને મળી શકે છે.આ કોરોના વાયરસ મહામારીની શરૂઆત બાદ પ્રથમ મીટીંગ હશે.કોરોના વાયરસને રોકવા દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ છે,જેની ટેકસ કલેકશન પર પણ અસર થઈ છે.સૂત્રો મુજબ 14 જૂને આ સંભવિત મીટીંગ વિડીયો કોન્ફરન્સથી યોજાશે. નાણામંત્રાલય રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે રેવન્યુ કલેકશનમાં ઘટાડો છતા જીએસટી કાઉન્સીલની આગામી બેઠકમાં બિનજરૂરી વસ્તુઓ પર જીએસટી દર વધારવાના પક્ષમાં નથી.