– ચીને દુનિયા સહિત તેના નાગરિકોને પણ ઘાતક કોરોના વાયરસની ગંભીરતાથી અજાણ રાખ્યા હતા
એજન્સી,વોશિંગટન
ચીનના જે વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઇ છે ત્યાં હવે તહેવાર જેવો ઉત્સાહી માહોલ છે. ચીનને છોડી સમગ્ર વિશ્વ કોરોના વાયરસનો આતંક ઝેલી રહ્યો છે, ચીને દુનિયાને લાંબા સમય સુધી ખતરનાક વાયરસ મુદ્દે અંધારામાં રાખી. આ દરમિયાન એક અમેરિકન મીડિયા એજન્સીએ દાવો કર્યો છે કે, અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ગત વર્ષ નવેમ્બરના અંતમાં જ ચીનને પ્રલય જેવી ભયાનક મહામારી ફેલવાની ચેતવણી આપી હતી.
આ સનસનીખેજ દાવા પછી ચીનની ભૂમિકા પર સવાલો થઇ રહ્યા છે કે, વિદેશી ગુપ્ત એજન્સીઓ પણ આ મહામારી વિશે અંદાજો મેળવી ચૂકી હતી તો, ચીન કેમ અંધારામાં રહ્યુ. શુ ચીન તેની અર્થવ્યવસ્થાને બચાવવા માટે વાયરસ મુદ્દે સતત ખોટુ બોલતુ રહ્યુ અને તેના સ્વાર્થીપણાએ સમગ્ર વિશ્વને કોરોના મહામારીના સંકટમાં નાંખી દીધી?
કોરોના મહામારી મુદ્દે ચીન પર શરુઆતથી જ ખોટુ બોલવાના આરોપ લાગી રહ્યા છે. ચીને દુનિયા સહિત તેના નાગરિકોને પણ કોરોના વાયરસના ઘાતક રુપ વિશે અંધારામાં રાખ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 31 ડિસેમ્બરને ચીને પહેલી વાર વિશ્વ સ્વાસ્થ સંગઠનને ન્યુમોનિયા જેવી રહસ્યમય બીમારી વિશે જણાવ્યુ અને સાત જાન્યુઆરીએ કોરોના વાયરસની ખાતરી આપી. સ્થિતિ બગડ્યા પછી ચીને 23 જાન્યુઆરીએ વુહાનને લોકડાઉન કર્યુ, પરંતુ ત્યાં સુધી કોરોના વાયરસ વિશ્વના દેશોમાં ફેલાઇ ચૂક્યો હતો.
અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ નવેમ્બરના અંતમાં યુએસ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે ચીનના વુહાનમાં નવો વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને ત્યાંના લોકો માટે ખતરો બની રહ્યો છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, આ સમયગાળા દરમિયાન ચીને દુનિયા સહિત તેના નાગરિકોને પણ કોરોના વાયરસ વિશે કોઇ માહિતી આપી ન હતી.