– આઈટી સિટી ગુરુગ્રામમાં જાન્યુઆરી-માર્ચમાં વેચાણ 63 ટકા ઘટ્યું
હરિયાણાના આઈટી સિટી ગુરુગ્રામમાં જાન્યુઆરી-માર્ચના ક્વાર્ટરમાં મકાનોનું વેચાણ 63 ટકા ઘટી ગયું હતું. નબળી માંગ વચ્ચે કોરોના વાયરસ ત્રાટક્યો અને લોકડાઉન થયું તેને કારણે વેચાણ પર વ્યાપક અસર થઈ હતી. ડેટા એનલિટિક ફર્મ પ્રોપઈક્વિટીના જણાવ્યા અનુસાર દેશના નવ મોટા શહેરોમાં મકાનોનું વેચાણ માર્ચના ક્વાર્ટરમાં 27 ટકા ઘટીને 55,138 યુનિટ થયું હતું. આ નવ શહેરોમાં ગુરુગ્રામ, નોઈડા, મુંબઈ, થાણે, બેંગલુરુ, કોલકાતા, ચેન્નઈ, પુણે અને હૈદરાબાદનો સમાવેશ છે. ગયા વર્ષે આ શહેરોમાં માર્ચના ક્વાર્ટરમાં 75,534 યુનિટનું વેચાણ થયું હતું.
પ્રોપઈક્વિટીએ કહ્યું હતું કે જે કંઈ વેચાણ થયું તે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ થયું હતું. માર્ચમાં કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉનની અસરને કારણે ખાસ્સી વિપરીત અસર થઈ હતી. સૌથી વધુ ગુરુગ્રામમાં 63 ટકા વેચાણ ઘટી ગયું હતું. ત્યાં માર્ચના ક્વાર્ટરમાં 1650 યુનિટનું વેચાણ થયું હતું. ગયા વર્ષે આ ગાળામાં 4474 યુનિટનું વેચાણ થયું હતું. ઉત્તર પ્રદેશના નોઈડામાં વેચાણ 8 ટકા ઘટીને 1177 યુનિટ થયું હતું. ગત વર્ષે આ ગાળામાં 1275 યુનિટ વેચાણ થયું હતું. નોઈડામાં મોટાભાગે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ છે, જેમાં મકાનની કિંમત ~30-50 લાખની રેન્જમાં હોય છે. ગુરુગ્રામમાં વધારે કિંમતના મકાનો હોય છે. બેંગલુરુમાં પણ મકાનોનું વેચાણ 30 ટકા ઘટીને 9059 યુનિટ થયું હતું, જે માર્ચ 2019માં 12929 યુનિટ થયું હતું. ચેન્નઈમાં વેચાણ 36 ટકા ઘટીને 3265 યુનિટ તથા કોલકાતામાં પણ 36 ટકા ઘટીને 3673 યુનિટ થયું હતું. હૈદરાબાદમાં વેચાણ 37 ટકા ઘટીને 4349 યુનિટ થયું હતું. મુંબઈમાં વેચાણ 16 ટકા ઘટીને 5332 યુનિટ થયું હતું.