અમદાવાદ : અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું ચલણ ખૂબ જ વધી ગયું છે.જેને પગલે પોલીસ અને એજન્સીઓ દ્વારા વારંવાર કવાયત કરીને આવા પદાર્થોનું વેચાણ કરતા તત્વોને ઝડપી લેવામાં આવી રહ્યા છે.ગાંધીનગર નજીક ભાટ ટોલનાકા પાસેના ચુલા ચિકન નામના રેસ્ટોરંટ પર નશીના દ્રવ્યો વાળા કુકીઝ(બિસ્કિટ)સાથે બે યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા.તેઓ ચોક્સ ઓળખાણ આપે તેમને જ આ નશીલી કુકીઝ આપતા હતા.આ પ્રકરણમાં અડાલજ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
કરોડો રૂપિયાના ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ઝડપી લેતી એટીએસના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.પટેલ,જસ્મીન રોજીયા તથા બી.એચ.કોરાટની ટીમને બાતમી મળી હતી કે ચુલા ચિકન રેસ્ટોરંટ પર કેટલા શંકાસ્પદ લોકો નશીલ પદાર્થોનું વેચાણ કરી રહ્યા છે.તરત જ એટીએસના અધિકારીઓએ ચુલા ચિકન રેસ્ટોરંટ પર દરોડા પાડીને જયકિશન ઉર્ફે જય વિજયભાઇ ઠાકોર(રહે.અમદાવાદ)તથા અંકિત રાજકુમાર કુલહારી(રહે. અમદાવાદ)ને ઝડપી લીધા હતા.તેમની તલાસી લેતાં તેમની પાસેથી પાસ પરમીટ વગરનો માદક પદાર્થનો જથ્થો તથા માદક પદાર્થવાળી કુકીઝ ઝડપાઇ હતી.એટીએસની ટીમે બન્નેને ઝડપી લઇ તેમની પાસેથી નશાવાળી બિસ્કીટ કબજે લીધી હતી.આ પ્રકરણની તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા લાંબા સમયથી અમદાવાદ શહેરના પોશ વિસ્તારોમાં અને શૈક્ષણિક સંકુલની આજુબાજુમાં ડ્રગ્સનો વેપલો વધી ગયો છે.જેને કારણે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે.આ પરિસ્થિતિને લઇને રાજ્ય પોલીસવડા આશિષ ભાટીયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેના અંતર્ગત મોટા પ્રમાણમાં ડ્રગ્સના કન્સાઇનમેન્ટ ઝડપી લેવામાં આવ્યા છે.થોડા સમય પહેલા અમદાવાદ જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંઘ યાદવ દ્વારા પણ ડાર્ક વેબની મદદથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.જેમાં પણ શહેરના ઘણા યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું હતું.


